કોરોનાની ત્રીજી લહેરના પ્રારંભિક તબક્કામાં છે યુકેઃ વૈજ્ઞાનિકની ચેતવણી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.31-05-2021

કોરોનાની બીજી લહેરના કહેરમાંથી ભારત સહિત વિશ્વના ઘણા દેશો માંડમાંડ બહાર આવ્યા છે તેવામાં હવે વૈજ્ઞાનિકો ત્રીજી લહેરની ચેતવણી ઉચ્ચારી રહ્યા છે. યુકેના વૈજ્ઞાનિકે કહ્યું છે કે યુકેમાં કોરોનાની ત્રીજી લહેર પ્રારંભિક તબક્કામાં છે. યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજના પ્રોફેસર રવિ ગુપ્તાએ જણાવ્યું હતું કે નવા કેસોની સંખ્યા પ્રમાણમાં ઘટી છે પરંતુ ભારતીય વેરિયન્ટ ઘણો ઝડપથી વિકસી રહ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે, ઈંગ્લેન્ડમાં કોવિડ પ્રતિબંધો 21 જૂને ખતમ થઈ રહ્યા છે તેને રદ કરવા જોઈએ. રવિવારે યુકેમાં સળંગ પાંચમાં દિવસે કોરોનાના 3,000થી વધુ કેસો નોંધાયા હતા.

પ્રોફેસર ગુપ્તાએ જણાવ્યું હતું કે, નવા કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેમાંથી ત્રીજા ભાગના કેસ નવા (ભારતીય) વેરિયન્ટના છે. હાલમાં કેસની સંખ્યા પ્રમાણમાં ઓછી છે પરંતુ તમામ લહેરની શરૂઆત ઓછા કેસથી થાય છે અને બાદમાં કોરોનાના કેસનો વિસ્ફોટ થાય છે. તેથી મુખ્ય વાત એ છે કે આ ત્રીજી લહેરના પ્રારંભિક તબક્કાનો સંકેત છે.

જોકે, તેમણે કહ્યું હતું કે, યુકેમાં મોટા પ્રમાણમાં લોકોએ રસી લીધી છે તેથી અન્ય લહેરની તુલનામાં આ લહેર ઊભી થતાં વાર લાગી શકે છે. પરંતુ ક્યારેક સુરક્ષાની ખોટી લાગણી હોય છે જે ચિંતાનો વિષય છે.

સરકારના અન્ય અગ્રણી વૈજ્ઞાનિક સલાહકાર પ્રોફેસર એડમ ફિને જણાવ્યું હતું કે, મારા મતે પ્રત્યેક વ્યક્તિ 21 જૂને ખતમ થનારા પ્રતિબંધોને લઈને તે તારીખને મનમાં રાખી રહ્યા છે જે કમનસીબી ભરેલું છે. આપણે આ સમયે વધારે સાવચેત રહેવાની જરૂર છે. આગળ શું થશે તે જોવાની જરૂર છે અને બાદમાં લોકોને મુક્ત થવાની જરૂર છે.

યુકેમાં સરકાર દ્વારા 21 જૂને લોકડાઉન ઉઠાવવાની યોજના છે જેમાં તમામ પ્રકારના પ્રતિબંધો હટાવી લેવામાં આવશે. જોકે, ઈયુસ્ટિકે ચેતવણી આપી છે કે સરકારે એક પછી એક પગલા લેવા જોઈએ. તેમણે કહ્યું હતું કે, આપણે જાણીએ છીએ કે આ કેટલો મુશ્કેલ રોગચાળો છે. તેથી કોઈ પણ જાતની ઉતાવળ કરવી જોઈએ નહીં.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો