જુનાગઢઃ કેસર કેરીના ઈતિહાસમાં સૌથી નીચા ભાવ, યાર્ડમાં 10 રુપિયે કિલો વેચાઈ કેરી!

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22-05-2021

ગુજરાતમાં તાજેતરમાં આવેલા તૌકતે વાવાઝોડાના કારણે કેરીના પાકને ખાસ્સું નુકસાન થયું છે. જુનાગઢ જિલ્લા અને આસપાસના ગામોમાં કે જ્યાં કેસર કેરીનું વાવેતર થાય છે ત્યાં તૌકતે વાવાઝોડાથી આંબાના બગીચાઓને ખાસ્સું નુકસાન થયું છે.

ત્યારે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીના 18,000 બોક્સની આવક થઈ હતી જેનો ભાવ કિલોગ્રામના માત્ર 10 રૂપિયા બોલાતા ખેડૂતોએ ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. તૌકતે વાવાઝોડા પહેલા કેરીના એક બોક્સનો ભાવ 1200થી 1500 રૂપિયા સુધી હતો તેથી ખેડૂતોને એવી આશા હતી કે સિઝન સારી જશે. પરંતુ, હવે કેસર કેરીના બોક્સના ભાવ ગગડીને 700થી માત્ર 50 રૂપિયા સુધી બોલાય છે ત્યારે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

એક ખેડૂતે આ વિશે વાત કરતા જણાવ્યું કે ‘જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર 50થી 55 હજાર બોક્સની આવક હતી અને 80 રૂપિયાથી લઈને 150-175 રૂપિયા સુધીનું બોક્સ વેચાયું છે. જુનાગઢના ઈતિહાસમાં 80થી 150 રૂપિયા સુધીની કેરી વેચાઈ હોય તેવું પ્રથમ વખત બન્યું છે. તૌકતે વાવાઝોડાના કારણે ઘણું નુકસાન પહોંચ્યું છે.’

તૌકતેને કારણે આંબા પર લટકી રહેલી 80 ટકા જેટલી કેરીઓ પડી ગઈ છે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં આવેલી આંબાવાડીઓમાં આ વાવાઝોડાંએ જોરદાર તબાહી ફેલાવી છે.ખેડૂતોના જણાવ્યા અનુસાર, આ વખતે આમેય કેરીનો પાક ઓછો હતો તેવામાં તૌકતેએ પડતાં પર પાટું મારવા જેવી સ્થિતિનું નિર્માણ કર્યું છે. ગીર સોમનાથ જિલ્લાના મોટાભાગની વાડીઓમાં વાવાઝોડાંએ મોટાપાયે નુક્સાન કર્યું છે. મોટાભાગની કેરીઓ ભારે પવનને કારણે વૃક્ષો પરથી પડવાની સાથે વરસાદને કારણે પલળી ગઈ છે. જેથી હવે આ કેરીઓ કશાય કામની નથી રહી. તેમને ના તો બજારમાં વેચી શકાય તેમ છે, કે ના ખાઈ શકાય તેમ છે. કારણકે, આ કેરી કુદરતી રીતે પાકશે તે પહેલા તો તેમાં સડો લાગી જશે.જે કેરીઓ આંબા પર રહી ગઈ છે, તે પણ ગમે ત્યારે ખરી પડશે તેવો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે. જે ખેડૂતોએ લાખો રુપિયા ખર્ચીને આંબાવાડી ભાડે લીધી છે, તેમની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે. કારણકે, આ વખતે આમેય કોરોના ઉપરાંત પાક ઓછો હોવાના કારણે ધંધો ઓછો હતો, તેવામાં તૌકતેએ રહી-સહી આશા પર પણ પાણી ફેરવી દીધું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો