તાઉતે વાવાઝોડાથી પડી ગયેલા નાળિયેરી – કેરી – આંબા સહિતના વૃક્ષો પૂન: સ્થાપિત કરવા ૧૯૦ કૃષિ વૈજ્ઞાનિકો અસરગ્રસ્ત જિલ્લાઓમાં જશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.21-05-2021

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શનમાં ગુજરાતનો નવતર અભિગમ દેશને દિશાદર્શન આપશે : ચાર કૃષિ યુનિવર્સિટીઓના વૈજ્ઞાનિકો ખેડૂતોને ટેક્નિકલ માર્ગદર્શન પુરૂં પાડશે ● અસરગ્રસ્ત પાંચ જિલ્લાના ૪૧ તાલુકાના રર૬૩ ગામોમાં ખેતીવાડી – બાગાયતી પાકોના નુકસાનીના પ્રારંભિક સર્વે માટે ૬૯૬ કૃષિ કર્મીઓની ૩૩૯ ટીમ કાર્યરત

તાઉતે વાવાઝોડાથી પડી ગયેલા નાળિયેરી – કેરી – આંબા સહિતના વૃક્ષો પૂન: સ્થાપિત કરવા ૧૯૦ કૃષિ વૈજ્ઞાનિકો અસરગ્રસ્ત જિલ્લાઓમાં જશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શનમાં ગુજરાતનો નવતર અભિગમ દેશને દિશાદર્શન આપશે. ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીઓના વૈજ્ઞાનિકો ખેડૂતોને ટેક્નિકલ માર્ગદર્શન પુરૂં પાડશે તેવી સરકાર દ્વારા જાહેરાત કરાઈ છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં મુલાકાત લીધી હતી તે દરમિયાન ધરતીપુત્રોએ પોતાના પુખ્ત વયના લાંબાગાળાના ફળાઉ આંબા, નાળિયેરી જેવા બાગાયતી પાક આપતાં વૃક્ષો આ તીવ્ર વાવાઝોડામાં પડી જઇ નાશ પામ્યાની વેદના અને વિતક વર્ણવી હતી. જેથી મુખ્યમંત્રીએ બાગાયતી પાકોના વૃક્ષોને તે જ સ્થળે પૂન: સ્થાપિત કરવાનો એક નવતર અભિગમ અપનાવવા રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગને પ્રેરિત કર્યા છે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં તેમણે આ સંદર્ભમાં કૃષિ વિભાગને સૂચવ્યું હતું કે, આવા નાશ પામેલા બાગાયતી પાકો નાળિયેરી, કેરી- (આંબા)ને ફરી પૂન: સ્થાપિત રિસ્ટોરેશન માટેની સંભાવનાઓ ચકાસી તે અંગે રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓના તજજ્ઞ કૃષિ વૈજ્ઞાનિકો ખેડૂતોને તાંત્રિક માર્ગદર્શન પુરૂં પાડે. જેથી કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીઓના ૧૯૩ જેટલા કૃષિ વૈજ્ઞાનિકોને તાઉતે વાવાઝોડાથી વધુ અસરગ્રસ્ત અને જ્યાં બાગાયતી પાકોને સૌથી વધુ વ્યાપક નુકશાન થયું છે તે જિલ્લામાં તાત્કાલિક મોકલવાની વ્યવસ્થા ગોઠવી છે.

કોર કમિટીની આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવઓ પંકજકુમાર, એમ. કે. દાસ, આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતિ રવી તેમજ વરિષ્ઠ સચિવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ જિલ્લાઓમાં કૃષિ વૈજ્ઞાનિકો જશે: અમરેલી જિલ્લામાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ૪૮, ભાવનગર જિલ્લામાં આણંદ કૃષિ યુનિવર્સિટીના ૪૩, ગીર-સોમનાથમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ૭૮ તેમજ સુરત, વલસાડ અને નવસારી જિલ્લાઓમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના ર૪ એમ કુલ ૧૯૩ કૃષિ વૈજ્ઞાનિકો અસરગ્રસ્ત જિલ્લાઓમાં તત્કાલ પહોચી જશે. આ વિસ્તારોમાં નુકશાન પામેલા બાગાયતી પાકોના સર્વે સાથે નાળિયેરી આંબા, કેળ, દાડમ અને લીંબુના ઝાડ-છોડના પૂન: વાવેતર-રિસ્ટોરેશન માટે આ કૃષિ વૈજ્ઞાનિકો તાંત્રિક માર્ગદર્શન ધરતીપુત્રોને આપશે.

રર૬૩ ગામોમાં ખેતી-બાગાયતી પાકોની નુકશાનીના પ્રારંભિક સર્વે: કોર કમિટીની આ બેઠકમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં તાઉતે વાવાઝોડાને પરિણામે સર્જાયેલી સ્થિતીમાં ખેતી-બાગાયતી પાકોના નુકશાનીના અંદાજો મેળવવાની પ્રક્રિયા સંદર્ભે પણ વિશદ ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી.

બેઠકમાં આ અંગેની ચર્ચાઓમાં જણાવવામાં આવ્યું કે, તાઉતે વાવાઝોડાથી અતિ પ્રભાવિત એવા અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, જૂનાગઢ અને બોટાદ એમ પાંચ જિલ્લાના ૪૧ તાલુકાઓના રર૬૩ ગામોમાં ખેતી-બાગાયતી પાકોની નુકશાનીના પ્રારંભિક સર્વે માટે ૬૯૬ કૃષિ કર્મયોગીઓની ૩૩૯ ટીમ કાર્યરત કરી દેવામાં આવી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો