તાઉ-તે એ ભારે કરી, કરોડો રૂપિયાનો પાક તબાહ થઇ ગયો

રાજ્ય સરકારે નુકસાનીનું વળતર ચૂકવવા આજથી શરૂ કર્યું સર્વેક્ષણ કાર્ય

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.19-05-2021

ગુજરાત માથે આવેલી વાવાઝોડાના ઘાતે મોટો વિનાશ વેર્યો છે. રાજ્યમાં તાઉ તે વાવાઝોડાના કારણે અત્યાર સુધીમાં 45 લોકોના મોત થઈ ગયા છે. આ ઉપરાંત કરોડો રૂપિયાના પાકને પણ ભારે નુકસાન થયુ છે. જેના કારણે ખેડૂતો જે સારા પાકની આસ લગાવીને બેઠા હતા, તેમણે હવે રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોના કેરીના પાક ઉપરાંત, ચીકુ, બાજરા, ઉપરાંત નારિયેળના પાકનો પણ સોથ વળી ગયો છે.

વાવાઝોડાથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં યુદ્ધના ધોરણે રાહત કામગીરી શરૂ કરાશે. એટલું જ નહીં, આજથી એટલે કે.19 જૂનથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં નુકસાનીના વિગતવાર સર્વેક્ષણની કામગીરી શરૂ કરશે.

રાજ્ય સરકારે આ સત્તાવાર જાહેરાત કરી છે. પ્રાથમિક તબક્કે મકાનો, ખેતીવાડી, પશુપાલન અને મત્સ્યોધોગને જે નુકસાન થયું છે તેનું સર્વેક્ષણ હાથ ધરાશે. જે જિલ્લાઓમાં વિશેષ નુકસાન થયું છે ત્યાં પડોશી જિલ્લાઓના અધિકારીઓને પણ સર્વેક્ષણની કામગીરીમાં સામેલ કરાશે, જેથી આ કામગીરી ઝડપથી થઇ શકે.

અસરગ્રસ્તોને સરકારી ધારાધોરણ મુજબ કેશડોલ્સ, ઘરવખરી સહાય અને અન્ય આર્થિક સહાય તાત્કાલિક ચુકવવાની કામગીરી હાથ ધરાશે. વાવાઝોડાથી ઉનાળુ પાકને ઓછું નુકસાન ગયું છે પરંતુ કેરી અને નાળિયેરી જેવા પાકોને સારૂં એવું નુકશાન ગયું છે. રાજ્ય સરકાર તમામ નુકસાનના સર્વેક્ષણની કામગીરી હાથ ધરશે અને ધારાધોરણ મુજબ આગળના નિર્ણયો લેવાશે.ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, કોડીનાર, રાજુલા, ભરૂચ, આણંદ, સહીત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે બાગાયતી પાકને વ્યાપક નુકશાન થયું છે જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.

તાઉ તે વાવાઝોડાને કારણે રાજયમાં કેરીનો બાકી રહી રહેલો તમામ પાક સોએ સો ટકા ખતમ થઇ ગયો છે. વરસાદ અને વંટોળને પરિણામે ઝાડ પરથી વેડવાની બાકી રહેલી કેરી ખતમ થઈ ગઈ છે. કચ્છમાં પણ કેસર કેરીના પાકને ખાસ્સુ નુકસાન થયું છે.

રાજયમાં 1.70 લાખ હેક્ટરમાં આંબા છે. જેમાં 6 લાખ ટન કેરી ખરાબ થઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં 5 લાખ હેક્ટર વિસ્તારમાં ફળોના બગીચાઓમાં ભારે નુકસાની થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. ફળના સંખ્યાબંધ વૃક્ષો ધરાશાયી થયા છે. બાગાયતી ખેતીને મોટુ નુકસાન થયું છે. નાળિયેરીના ઝાડ તથા ચીકુના ઝાડ ધરાશાયી થઈ ગયા છે. જેમાં સૌથી વધારે કેરીના પાકને થયું છે.

સૌરાષ્ટ્રમાં વેરાવળ માંગરોળ, કોડિનાર અને ઊના સહિતના વિસ્તારમાં લેવાતા બાજરી-તલના પાકને ઘણું જ મોટું નુકસાન થયું છે. કૃષિ ક્ષેત્રના નિષ્ણાતોના જણાવ્યા મુજબ એક હેક્ટરમાં 20 ટન ફળ પેદા થાય છે.

ફળના બગીચાઓમાં ઓછામાં ઓછી 50 ટકા નુકસાની આવી છે. કચ્છ-સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તો 100 ટકા નુકસાન છે. એક અંદાજ મુજબ રૂપિયા 5 હજાર કરોડના ફળ ગુમાવવા પડ્યા છે. વૃક્ષો ઉખડી ગયા હોય કે ડાળીઓ તૂટી ગઈ હોય આવા લાંબા ગાળાની નુકસાની ખેડૂતોને પાયમાલ કરી દેશે. અત્યાર સુધીમાં ખેડૂતોએ 50 ટકા કેરી વહેલી ઉતારી લીધી હોવાનું અંદાજ છે. પરંતુ ઝાડ પર રહી ગયેલો બાકીનો 50 ટકા પાક સાવ જ ખતમ થઈ ગયો છે.

વાવાઝોડાને પરિણામે ઝાડ પર લટકતી તમામ કેરીઓ પડીને પાણીમાં ગઈ છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેરીનો પાક ખાસ્સો વધારે લેવાય છે. કેરીની માફક જાંબું અને ચીકુના પાકને પણ ખાસ્સું નુકસાન થયું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો