ગામડાઓમાં 18+નું રસીકરણ ચાલુ જ નથી થયું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.07-05-2021

લોકોને કોરોનાથી બચાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લોકોને ઉમળકા સાથે વેક્સિન લઈ લેવા માટે અપીલ કરવામાં આવી રહી છે. દરમિયાન તાજેતરમાં જ સરકાર દ્વારા રાજકોટ સહિત રાજ્યના 10 જિલ્લાઓમાં 18+થી ઉપરની વયના લોકોને વેક્સિન આપવાની જાહેરાત કરાયા બાદ તેને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. જો કે સરકાર દ્વારા જિલ્લાઓ એટલે માત્ર શહેર એવી ચોખવટ કરવાનું ચૂકાઈ જતાં ગડમથલયુક્ત સ્થિતિ નિર્માણ પામી રહી છે. બીજી બાજુ સરકાર જિલ્લો એટલે માત્ર શહેર એમ જ ગણતી હોવાથી ગામડામાં વસવાટ કરતાં 18+ ઉપરના યુવાનો હજુ પણ વેક્સિનથી વંચિત જ રહ્યા હોવાની પોલ ખૂલીગઈ છે.

હજુ સુધી ગામડાઓમાં 18+નું રસીકરણ જ ચાલું થઈ શક્યું નથી તેના પાછળનું મુખ્ય કારણ સરકાર દ્વારા ઉભી કરાયેલી ભ્રમની પરિસ્થિતિ છે. સરકારે મોટા ઉપાડે રાજકોટ સહિત 10 જિલ્લામાં 18 વર્ષથી ઉપરની વયના લોકોને વેક્સિનેશન કરવાની જાહેરાત તો કરી દીધી પરંતુ સાથે તેમાં એવી ચોખવટ નહોતી કરી કે જિલ્લો એટલે જે તે શહેરની જ ગણતરી કરવાની રહેશે. સરકારની જાહેરાત થતાંની સાથે સાથે શહેર ઉપરાંત ગામડામાં રહેતા 18 વર્ષથી ઉપરના લોકોએ રજિસ્ટ્રેશન કરવાનું શરૂ કરી દીધું હતું. આ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેઓ વેક્સિન લેવા આરોગ્ય કેન્દ્રો પર ગયા તો ત્યાં તેમને સ્પષ્ટ સુણાવી દેવાયું હતું કે ‘હજુ તમને વેક્સિન આપવાની નથી’ આ સાંભળી કેન્દ્રો ઉપર ધમાલ થવાનું શરૂ થઈ જતું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. દરમિયાન ખોખડદડમાં તો આજે વેક્સિનેશન સ્ટાફના કાંઠલા પકડી લેવાયા હોવાની અને રીતસરની ઝપાઝપી થઈ ગયાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.

આશ્ર્ચર્યની વાત એ છે કે ગામડામાં રહેતાં 18 વર્ષથી ઉપરના લોકો વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન કરાવે એટલે તેમનું તુરંજ રજિસ્ટ્રેશન પણ થઈ જાય છે અને સ્લોટ પણ આપી દેવાય છે પરંતુ જ્યારે તે રસીકરણ માટે જાય છે ત્યારે તેણે વિલા મોઢે પરત ફરવું પડે છે કેમ કે હજુ સુધી ગામડાઓમાં રહેતાં 18 વર્ષથી ઉપરના લોકોનો વેક્સિન માટે વારો જ આવ્યો નથી ! આ સ્થિતિને કારણે અત્યારે ગામડામાં વસવાટ કરતાં યુવાવર્ગમાં જબરો દેકારો પણ બોલી જવા પામ્યો છે. બીજી બાજુ ગામડાઓમાં અત્યારે 45 વર્ષથી વધુ વયના લોકોનું વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે પરંતુ દરરોજ જોઈએ તેટલી માત્રામાં વેક્સિનના ડોઝ મળતાં ન હોવાથી અનેક લોકોએ ધક્કા પણ ખાવા પડી રહ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે જેમ જેમ કોરોનાનો કહેર વધતો જાય છે તેમ તેમ વેક્સિન લેવા માટે પણ લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે પરંતુ સરકાર દ્વારા પૂરતો સ્ટોક અપાતો ન હોવાને કારણે તમામ લોકોને વેક્સિનેશન માટે પહોંચી શકાતું ન હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો