ભારતને ફાઇઝર વેક્સીન પણ મળી શકે છે, ફાઇઝરે મંજૂરી માટે પ્રક્રિયા શરુ કરી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.03-05-2021

કોરોના મહામારી સામે ઝઝૂમી રહેલા ભારતને ચોથી કોરોનાની રસી (Corona Vaccine) મળી શકે છે. દુનિયાની સૌથી અસરકારક રસી બનાવનાર અમેરિકાની ફાર્મા કંપની ફાઇઝર (Pfizer) ભારતમાં તેની વેક્સીનને મંજૂરી આપવા માટે કેન્દ્ર સરકારના સંપર્કમાં છે. ફાઇઝરની આ વેક્સીનનું નામ BNT162b2 છે, જેને વિશ્વ સ્વાસ્થ સંગઠન-WHOએ અસરદાર અને સુરક્ષિત કોરોના વેક્સિનની શ્રેણીમાં સામેલ કરી છે.

મહત્વની બાબત એ છે કે, ફાઇઝરની કોરોના વેક્સિનને દુનિયાના અનેક નિષ્ણાંતો સૌથી વધુ અસરકારક રસી માને છે. આ વેક્સિન તેના તમામ પરીક્ષણોમાં કોરોના સંક્રમણ વિરુદ્ધ 92થી 95 ટકા કારગર પૂરવાર થઇ છે.

બીજી તરફ કોરોના સંક્રમણ સામે ભારતની વર્તમાન સ્થિતિ નાજુક બની ચૂકી છે. દેશમાં સંક્રમણના નવા કેસ અને મૃત્યુદર સતત વધી રહ્યા છે. જેને લીધે દેશની આરોગ્ય સુવિધા પણ નબળી પડી છે. એવામાં સરકાર કોરોના રસીકરણ અભિયાન પર જોર વધારી રહી છે. જોકે દુનિયાભરની સંસ્થાઓ અને દેશો આ મુદ્દે કહી ચૂક્યા છે કે, કોરોના મહામારી વિરુદ્ધ લડાઇમાં હાલ પૂરતુ એક જ હથિયાર, કોરોના વેક્સિન જ છે.

જોકે ભારતમાં ફાઇઝરની કોરોના વેક્સિનને મંજૂરી મળે એ પહેલા જ કંપનીએ શરત મૂકી હતી કે તે પોતાની કોરોના વેક્સિન માત્ર સરકારી કરારથી જ સપ્લાય કરશે. એટલે કે કંપની ભારતમાં તેની વેક્સિન સીધી સરકારને જ આપશે. ત્યારબાદ એ સરકારના નિર્ણય પર આધાર રાખે છે કે ફાઇઝરની વેક્સિન ખાનગી દવાખાનાઓમાં ક્યારે ઉપલબ્ધ કરાવે છે.

બીજી તરફ ભારત સરકાર દેશવ્યાપી રસીકરણ અભિયાનમાં સતત ફેરબદલ કરી તેને વધુ અસરકારક બનાવવાના પ્રયત્ન કરી રહી છે. ભારત સરકાર કંપનીઓને વિકલ્પ પણ આપી ચૂકી છે કે થોડી વધુ કિંમતે રાજ્યો અને ખાનગી દવાખાનાઓ પણ પોતાની વેક્સિન વેચી શકે છે.

જોકે ફાઇઝરે તેના નિવેદનમાં કહ્યું છે કે, કંપની ભારતમાં તેની કોરોના વેક્સિન જરુરથી ઉપલબ્ધ કરાવશે, પરંતુ મહામારી સંકટ વચ્ચે સરકારી રસીકરણ કાર્યક્રમને પ્રાથમિકતા આપશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો