WhatsApp ગ્રૂપના એડમિન્સ માટે રાહતના સમાચાર, હાઇકોર્ટે સંભળાવ્યો મોટો ચુકાદો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-04-2021

બોમ્બે હાઇકોર્ટની નાગપુર બેન્ચે વોટસએપ ગ્રૂપ્સના એડમિન્સને મોટી રાહત આપી છે. કોર્ટે કહ્યું કે વોટ્સએપ ગ્રૂપના કોઇપણ સભ્ય દ્વારા પોસ્ટ કરાયેલ અશ્લીલ કંટેન્ટ માટે એડમિન જવાબદાર રહેશે નહીં. ગ્રૂપ એડમિન પર ખોટી કે આપત્તિજનક પોસ્ટ માટે ગુનાહિત કાર્યવાહી કરી શકતા નથી. તેની સાથે જ કોર્ટે 33 વર્ષના યુવકની સામેનો કેસ રદ કરી દીધો.

કોર્ટનો આ આદેશ ગયા મહિને આવ્યો હતો, પરંતુ તેની કોપી 22મી એપ્રિલના રોજ ઉપલબ્ધ થઇ. જસ્ટિસ ઝેડ.એ.હક અને જસ્ટિસ એ.બી.બોકારની બેન્ચે પોતાના ચુકાદામાં કહ્યું કે વોટ્સએપના એડમિનની પાસે માત્ર ગ્રૂપના સભ્યોને જોડવા કે હટાવાનો અધિકાર હોય છે અને ગ્રૂપમાં મૂકાયેલ પોસ્ટ કે વિષયવસ્તુને નિયંત્રિત કરવાની કે તેને રોકવાની ક્ષમતા હોતી નથી.

કિશોર તરોન પર આરોપ હતો કે તેઓ વોટ્સએપ ગ્રૂપના સભ્ય વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યા, જેમણે ગ્રૂપની મહિલા સભ્ય વિરુદ્ધ અભદ્ર અને અમર્યાદિત ટિપ્પણી કરી હતી. તરોન પર એ પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેમણે ગ્રૂપના સંબંધિત સભ્યને હટાવ્યો કે ના માફી માંગવાનું કહ્યું. તમામ દલીલો સાંભળ્યા પછી કોર્ટે તરોનના પક્ષમાં ચુકાદો આપ્યો હતો અને દાખલ કરેલી એફઆઈઆર અને ચાર્જશીટ નામંજૂર કરી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો