મોરબી સ્વૈચ્છિક બંધને સારો પ્રતિસાદ મળ્યો : મોરબી સજ્જડ બંધ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.10-04-2021

મોરબી શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે કોરોનાને કંટ્રોલ કરવા માટે તંત્ર અને જુદીજુદી સંસ્થાઓ દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા છે બે દિવસ પહેલા મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કોન્ફરન્સ હોલમાં પ્રભારી સચિવ મનીષા ચંદ્રાની હાજરીમાં કલેક્ટર સહિતના અધિકારીઓ અને મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સહિતના જુદા-જુદા એસોસિએશનના પ્રમુખોની હાજરીમાં મીટિંગ યોજાઇ હતી. આ મિટિંગમાં શનિવાર અને રવિવાર એમ બે દિવસ સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉન એટલે કે, બંધ પાળવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને તેની વેપારીઓને લાગુ પડતાં એસો. દ્વારા જાણ પણ કરી દેવામાં આવી હતી જેથી કરીને આજે મોરબી શહેર અને જિલ્લાના તમામ મથકો ઉપર વહેલી સવારે રાબેતા મુજબ જે બજારો ધમધમતી હોય છે તે બંધ જોવા મળી હતી અને મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સહિતના જુદા-જુદા એસોસિએશન દ્વારા જે સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે તેને વેપારીઓ સહિતના નગરજનો તરફથી સારો પ્રતિસાદ મળેલ છે.

આજે અને કાલે સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉન છે તેમજ સોમવારથી શુક્રવાર સુધી વેપારીઓ દ્વારા દરરોજ સવારના છ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી જ વેપાર ધંધો કરવા માટે તેઓની દુકાનોને ખોલવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવેલ છે. હાલમાં વેપારીઓ દ્વારા બે દિવસ સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉન અને પછી પાંચ દિવસ હાફ ડે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે તેમાં મોરબી શહેર અને જિલ્લાના લોકો સંપૂર્ણ રીતે સહયોગ આપે તેવી અપીલ મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતીભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે સાથોસાથ અને એસો.ના પ્રમુખો દ્વારા તેઓના સભ્યોને હાલમાં જે નિર્ણય લોકોની અને ગ્રાહકોની સલામતી માટે લેવામાં આવી રહ્યા છે તેમાં સહકાર આપવામાં આવે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.

અત્રે ઉલેખનીય છે કે, કોરોનાની ચેઇનને તોડવા માટેની એક જ દવા સોશ્યલ ડિસ્ટન્સિંગ જરૂરી છે ત્યારે આજે અને કાલે મોરબી શહેર અને જીલ્લામાં વેપાર ધંધા સંપુર્ણ બંધ રહેશે અને આગામી સોમવારથી લઇને શુક્રવાર સુધી બજારો બપોરના બે વાગ્યા સુધી જ ખુલ્લી રાખીને ત્યાર બાદ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે જેમાં તમામ લોકો સહયોગ આપશે તો હારશે કોરોના અને જીતશે મોરબી તે નિશ્ચિત છે કેમ કે, હાલમાં કોરોનાના જે આંકડા આવી રહ્યા છે તેને તંત્ર વાહકોની ઊંઘ હરામ કરી નાખેલ છે.તંત્ર દ્વારા પોઝિટિવ કેસમાં કરવામાં આવતી આંકડાકીય ગોલમાલ લોકહિતમાં બંધ કરવામાં આવે તે જરૂરી બન્યુ છે.

આંગડીયા પેઢીઓ દ્વારા શનિ-રવિ ઓફિસ બંધ રાખવાનો નિર્ણય: મોરબીમાં કોરોના વાયરસનું સંક્રમણ રોકવા માટે વેપારીઓ દ્વારા બે દિવસ સ્વૈચ્છિક બંધ પાળવાનું નકકી કરવામાં આવ્યું છે. મોરબી આંગડીયા એસોસીએશનના અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં આજે અને રવિવારે ઓફિસો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બંને દિવસોમાં આંગડીયાનું કામ બંધ રહેશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો