સરકારને ભાવતું’તું ને HCએ ક્હ્યું: લોકડાઉન લાદો

કોરોનાની ચેઈન તોડવા 4 દિવસનો ક્ફર્યૂ અને વીકેન્ડ લોકડાઉન જરૂરી: હાઈકોર્ટના આદેશનો તત્કાળ અમલ કરવા રાજ્ય સરકાર તત્પર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-04-2021

રાજ્યમાં સતત વધી રહેલી કોરોના મહામારીને પગલે હવે ફરી એકવાર લોકડાઉન થાય એવી શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યારે હવે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારીઆની ખંડપીઠનો સરકારને નિર્દેશ કર્યો છે. જસ્ટિસે કહ્યું, કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલાં જરૂરી છે. કોરોના સંક્રમણની ચેઇનને તોડવી જરૂરી છે. રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કર્ફ્યૂ લાદવા અને વીકએન્ડ કર્ફ્યૂ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે એવી હાઇકોર્ટે ટકોર કરી છે.

ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ ભયજનક રીતે વધી રહ્યા છે. રાજ્યનો કોરોના રિકવરી રેટ પણ ઘટીને 93.81 ટકાએ પહોંચ્યો છે. વધતા સંક્રમણથી અલર્ટ થયેલાં તાપી, વલસાડ, કડી, જામનગર, આણંદ-ખેડા, મોરબી, દાહોદનાં વિવિધ બજારો ધરાવતાં નગરો અને ગામડાંએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. તો બીજી બાજુ, શહેરોમાં પણ રાત્રિ કર્ફ્યૂને કારણે વેપાર-ધંધા પર અસર પડતી હોવાથી વેપારી એસોસિયેશન માને છે કે કોરોના કાબૂમાં લેવા હવે સરકારે વીકેન્ડ લોકડાઉન લાદવું જોઈએ, જેથી ઝડપથી કાબૂ આવી શકે, સાથે જ ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી લોકલ સંક્રમણ અટકાવવા માટે આંશિક લોકડાઉન કરવામાં આવે એવી અપીલ કરી છે. ત્યારે ગુજરાત સરકારે પણ આ બાબતે ગંભીરતાથી વિચારણા શરૂ કરી દીધી છે અને આગામી બે દિવસમાં ગુજરાતમાં વીકએન્ડ લોકડાઉન લાદવામાં આવે એવી શક્યતાઓ જણાઈ રહી છે.

ઈન્ડિયન મેડિકલ એસોસિયેશને વડાપ્રધાન મોદીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે હાલમાં કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે વેક્સિન જ એકમાત્ર ઉપાય છે. પત્રમાં એસોસિયેશને પત્ર દ્વારા સરકારને જણાવ્યું છે કે રાજ્યમાં દરેક જગ્યાએ વેક્સિન સેન્ટર ઊભાં કરીને વોક ઈન વેક્સિનની વ્યવસ્થા કરવામાં આવે. પ્રાઈવેટ હોસ્પિટલ, ક્લિનિક, મોટી હોસ્પિટલ અને તમામ ડોક્ટર્સને વેક્સિન આપવાની મંજૂરી આપવામાં આવે. રાજ્યમાં વેક્સિનેશનને યોગ્ય બનાવવા માટે દરેક જિલ્લામાં કોવિડ ટાસ્કફોર્સની રચના કરવામાં આવે, જેથી વેક્સિન યોગ્ય રીતે થઈ શકે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો