ગુજરાતમાં બેકાબૂ કોરોના અને વેક્સિનેશનની ધીમી ગતિથી PMO નારાજ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.31-03-2021

ગુજરાતમાં વધતા જતા કોરોનાના કહેરની ગંભીર નોંધ વડાપ્રધાન કાર્યાલયે પણ લીધી છે, જેને લઈને કોવિડ ટેસ્ટિંગથી માંડીને વેક્સિનેશન માટે ગુજરાત સરકારને સીધી સૂચના આપવામાં આવી રહી છે, ખાસ કરીને કોરોનાને કાબૂમાં લેવા વેક્સિનેશનની ગતિ વધારવા વડાપ્રધાન કાર્યાલય નજર રાખી રહ્યું છે અને વેક્સિનેશન મામલે કૈલાસનાથનની આગેવાનીમાં અધિકારીઓની ટીમ બનાવવામાં આવી છે.

વેક્સિનેશનને ઝડપી બનાવવા PM દ્વારા ખાસ સૂચના : ગુજરાતમાં વેક્સિનેશન ધીમી ગતિએ ચાલતું હોવાથી પીએમઓમાં નારાજગી હતી અને આથી જ હવે વડાપ્રધાનના ખાસ ગણાતા કૈલાસનાથન સહિતના અધિકારીઓની ટીમને સમગ્ર કામગીરી સોંપી દેવાઇ છે. આગામી દિવસોમાં કોઇપણ ભોગે કોરોનાને ફરી કાબૂમાં લઇ લેવા તથા વેક્સિનેશનને ઝડપી બનાવવા વડાપ્રધાન દ્વારા ખાસ સૂચના અપાઈ છે.

રાજ્ય સરકારે ખાસ અધિકારીઓને નિયુક્ત કર્યા: ગુજરાતમાં વેક્સિનેશન ઝડપી બનાવવા માટે કેન્દ્ર દ્વારા સૂચના આપવામાં આવી હતી, રાજ્યમાં કોરોના સંક્રમણ જે રીતે વધી રહ્યું છે એ સમયે જ આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવિની બદલીની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે, જેથી વેક્સિનેશનની કામગીરી મુખ્યમંત્રીના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી કે. કૈલાસનાથનને સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં, રાજ્યમાં વેક્સિનેશન કામગીરીનો ચાર્જ પણ સંભાળી લીધો છે. કૈલાસનાથન નિર્ણયોના ઝડપી અમલીકરણ માટે જાણીતા હોવાથી તમામ મહાપાલિકામાં તથા જિલ્લાઓમાં રાજ્ય સરકારે ખાસ અધિકારીઓને નિયુક્ત કર્યા છે. તેમની સાથે સીધો સંપર્ક કરી વેક્સિનેશન વધારવાનું પ્લાનિંગ કરી રહ્યા છે, જેમાં ચોક્કસ ટાર્ગેટ સાથે કામગીરી આગળ વધારવામાં આવી રહી છે.

રાજ્યનું તંત્ર દોડતું થયું: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તાજેતરમાં જ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં ઝડપી વેક્સિનેશનની તાકીદ કરી હતી; એ પછી રાજ્યનું તંત્ર દોડતું થયું છે. બીજી તરફ, જયંતી રવિની બદલીની ચર્ચા ચાલી રહી છે. આ સ્થિતિમાં ગુજરાતમાં આરોગ્ય વિભાગનો હવાલો અન્ય સિનિયર અને એના અનુભવી અધિકારીને સોંપવાની હિલચાલ શરૂ થઈ ગઈ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો