શેરબજારમાં ધૂળેટી: 1200 પોઈન્ટનો ઉછાળો: નઝારા ટેકનો 80 ટકા પ્રીમીયમે લીસ્ટીંગ બાદ તૂટયો

સેન્સેકસ ફરી 50000ને પાર: બેંક-સ્ટીલ સહિતનાં શેરો ઉંચકાયા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.30-03-2021

મુંબઈ શેરબજારે આજે ધુળેટી ઉજવી હોય તેમ સેન્સેકસમાં 1200 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો. હેવીવેઈટ શેરોમાં લેવાલીની હુંફે સેન્સેકસ વધવા સાથે ફરી 50000ની સપાટી કુદાવી ગયો હતો.વૈશ્વીક પોઝીટીવ સંકેતોથી શેરબજારમાં શરુઆત જ ગેપથી થઈ હતી.

હેવીવેઈટ શેરોમાં ઓપરેટરોની પકડ હોય તેમ લેવાલીનો દોર યથાવત રહેતા તેજી સતત આગળ ધપતી રહી હતી. કોરોનાના કહેર છતાં મહારાષ્ટ્રમાં હાલ તુર્ત લોકડાઉન લાગુ નહીં થવાના સંકેતોની સારી અસર હતી. નાણાકીય વર્ષના બે દિવસ જ છે એટલે ભારતીય ફંડોની એનએવી આધારીત ખરીદી આવવાના આશાવાદથી તેજીને ટકો હતો. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે નાણાકીય વર્ષના છેલ્લા બે દિવસ મહત્વના છે. ભારતીય ફંડો એનએવી બેઈઝડ વેપાર કરશે તો ઓપરેટરો-મોટા ઈન્વેસ્ટરોના ટેકસની ગણતરી આધારીત લેણ-વેચાણ આવવાની ગણતરી છે.

અત્યારે કોરોનાના કહેરને ડીસ્કાઉન્ટ કરાયુ છે. તેની પછી કોઈ અસર આવે છે કે કેમ તે મહત્વનું છે. શેરબજારમાં આજે લગભગ તમામ ઉદ્યોગક્ષેત્રોના શેરોમાં ઉછાળો હતો. મેટલ શેરો ઝળકયા હતા જેએસડબલ્યુ સ્ટીલ, ટીસ્કો, સેઈલ, પાવરગ્રીડ, નેસલે, એનટીપીસી, ઓએનજીસી, રીલાયન્સ, સ્ટેટ બેંક, ટીસીએસ, એશિયન પેઈન્ટસ, બજાજ ઓટો, ડો. રેડ્ડી, એચસીએલ ટેકનો, એચડીએફસી, હિન્દ લીવર, એચડીએફસી બેંક. આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ફોસીસ, લાર્સન વગેરેમાં ઉછાળો હતો.

ભારતી એરટેલ, મહીન્દ્ર, એસબીઆઈ લાઈફ વગેરે નબળા હતા. મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 1204 પોઈન્ટના ઉછાળાથી 50212 હતો. નિફટી 353 પોઈન્ટના ઉછાળાથી 14680 હતો. બેંક નિફટીમાં 553 પોઈન્ટ તથા મીડકેપ ઈન્ડેકસ 155 પોઈન્ટ વધ્યા હતા. દરમ્યાન શેરબજારમાં આજે નવી કંપની નઝારા ટેકનોલોજી લીસ્ટીંગ થયું હતું.

રાકેશ ઝુનઝુનવાલા ફેઈમ કંપનીના ઈસ્યુ વખતે જબરૂ આકર્ષણ હતું. સારો ભાવ મળવાની અપેક્ષા હતી તે મુજબ ઉઘડતામાં જ 80 ટકા પ્રીમીયમથી લીસ્ટીંગ થયુ હતું.

1101ના મુળભાવ સામે 1990નો ભાવ હતો તે વધુ વધીને 2026.90 માં થયો હતો. જો કે ઉછાળે વેચવાલીનું દબાણ આવતા 1576.80માં ઉંધી સર્કીટ હતી. નિયમ મુજબ લીસ્ટીંગ ભાવથી 20 ટકાનો ઘટાડો થાય તો ઉંધી સર્કીટ લાગે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો