મહારાષ્ટ્રમાંથી ગુજરાત આવતા તમામ પ્રવાસીના RT-PCR ટેસ્ટ ફરજિયાત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.24-03-2021

સમગ્ર વિશ્વ અને ભારતમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે ત્યારે કોરોના મહામારીનો સૌથી વધારે વ્યાપ મહારાષ્ટ્રમાં વ્યાપ્યો છે. ત્યારે મહારાષ્ટ્રમાં રોજના 25 હજારની આસપાસ કેસો આવતા તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશ કરનાર તમામ વ્યક્તિઓનું ફરજીયાતપણે સ્ક્રીનિંગ કરવાનું રહેશે. મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશ મેળવવા ઇચ્છનાર તમામ વ્યક્તિઓએ છેલ્લાં 72 કલાકમાં આરટીપીસીઆર ટેસ્ટ કરાવેલો હોય અને એમાંય જેનો રિપોર્ટ નેગેટિવ હોય તેઓને જ ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવશે તેવો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

અત્રે મહત્વનું છે કે, ગુજરાતમાં ગત અઠવાડિયા દરમ્યાન જોવા મળેલા કેસોમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ હાથ ધરતા આ કેસોમાં પણ મહારાષ્ટ્રમાંથી મુસાફરી કરીને પરત આવેલા કે તેના સંપર્કમાં આવેલા વ્યક્તિઓમાં પણ કોરોના સંક્રમણનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાની સ્થિતિ વિકટ બની છે. છેલ્લાં 24 કલાકમાં રેકોર્ડબ્રેક 1730 કોરોનાના કેસ નોંધાયા છે. આજથી 1 મહિના પહેલા એટલે કે 30 દિવસ પહેલાં રાજ્યમાં 300થી નીચે કેસ આવતા હતા. આજે 500થી વધારે કેસ તો ફક્ત સુરત અને અમદાવાદમાં આવી રહ્યા છે. કોરોનાની સ્થિતિ એક મહિનામાં 5 ગણી વધારે ખરાબ છે. રાજ્યમાં સરકાર ભલે સબ સલામતના દાવા કરે પરંતુ કોરોનાના વધતા કેસો કંઈક અલગ જ કહે છે. રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો