પાટીદાર સમાજના 1 લાખ પરિવાર માટે 1 હજાર કરોડની ‘ઉમાછત્ર યોજના’

વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન આ વર્ષે પાટીદાર સમાજના 100 જરૂરિયાતમંદ પરિવારની દીકરીના વિનામૂલ્યે લગ્ન કરાવશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.01-03-2021

પાટીદાર સમાજના 1 લાખ પરિવારને 1 હજાર કરોડની ‘ઉમાછત્ર યોજના’થી સુરક્ષિત કરવામાં આવશે તેવો સંકલ્પ જગત જનની મા ઉમિયાના ધામ વિશ્વઉમિયાધામ ખાતે યોજાયેલા પાટોત્સવ સમારોહમાં લેવામાં આવ્યો છે. અમદાવાદના જાસપુર ખાતે નિર્માણ પામનારા વિશ્વ ઉમિયાધામના પ્રથમ પાટોત્સવમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત હજારો ભાવિકોએ ભાગ લીધો હતો.

અમદાવાદના જાસપુર ખાતે નિર્માણ પામનારા સામાજિક સશક્તિકરણ કેન્દ્રસમા વિશ્વઉમિયાધામમાં જગત જનની મા ઉમિયાના 451 ફૂટ ઊંચા ભવ્યાતિભવ્ય મંદિરની શિલાન્યાસ વિધિ ગત વર્ષે 28-29 ફેબુ્રઆરીના સંપન્ન થઇ હતી.

આ પ્રસંગે વિશ્વ ઉમિયાધામ સંકુલ ખાતે મા ઉમિયાની ચલ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. જેના પ્રથમ પાટોત્સવની ઉજવણી રવિવારે કરવામાં આવી હતી. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મા ઉમિયાની મહાઆરતીમાં હાજર રહ્યા હતા. આ પાટોત્સવ દરમિયાન અનેક મહત્વની જાહેરાત પણ કરવામાં આવી છે. જેમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના નેજા હેઠળ ઉમાછત્ર યોજનાની જાહેરાતનો પણ સમાવેશ થાય છે.

પાટીદાર સમાજના 1 લાખ પરિવારને 1 હજાર કરોડની ઉમાછત્ર યોજનાથી સુરક્ષિત કરાશે.  આ જાહેરાત સંસ્થાના પ્રમુખ આર.પી.પાટીલ દ્વારા કરવામાં આવી હતી. વિશ્વનું સૌથી ઊંચુ ઉમિયા માતાજી મંદિરનું નિર્માણ થાય તે પહેલા 1 લાખ પરિવારને આ યોજનાનો લાભ અપાશે. પરિવારોનો કોઈ પણ સભ્ય જે દાન આપી આ યોજનનો લાભાર્થી બને તેના મૃત્યુ બાદ પરિવારને 10 લાખ રૂપિયા સંસ્થા આપશે.

પાટીદાર સમાજનો કોઈ પણ પરિવાર માત્ર 3 હજારથી 4 હજારનું દાન નોંધાવી ઉમાછત્ર યોજનાનો લાભ લઈ શકશે. જો કોઈ પણ પરિવાર એક જ વખતમાં 31 હજારનું દાન આપે છે તો પરિવારના મોભીના 55 વર્ષ સુધીમાં મૃત્યું થાય તો પરિવારને 10 લાખ રૂપિયાની સંસ્થા મદદ કરશે.  આ વર્ષે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પાટીદાર સમાજના 100 જરૂરિયાતમંદ પરિવારની દિકરીઓને વિનામુલ્યે ( ઝીરો રૂપિયે) રંગેચંગે લગ્ન કરાવશે.

દરમિયાન રવિવારે સવારે 8.15 કલાકે અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી 10થી વધુ પગળપાળા સંઘ સરદારધામ પધાર્યા જ્યાંથી હજારો મા ઉમિયાના ભક્તો જગત જનની મા ઉમિયાની પાલખીયાત્રામાં જોડાયા. જગત જનની મા ઉમિયાની પાલખીયાત્રા વાજતે ગાજતે અને ભક્તોના નાચ-ગાન સાથે સરદારધામથી વિશ્વઉમિયાધામ સંકુલ પહોંચી.

વિશેષરૂપે પાલખીયાત્રામાં મા ઉમિયાનો દિવ્યરથ પણ જોડાયો હતો.સવારે 10.30 કલાકે મા ઉમિયાના સ્મૃતિ મંદિરને એક વર્ષ પૂર્ણ થતાં યોજાયેલા પાટોત્સવ નિમિતે માતાજીના મંદિરને ધજારોહણ  કરાયું હતું.   જગત જનની મા ઉમિયા માતાજીને 21 ફૂટ લાંબી ધજા ચઢાવા હતી. જગત જનની મા ઉમિયાના સ્મૃતિ મંદિરના પાટોત્સવ નિમિતે સાંજે 6.30 કલાકે 1008 દિવડાની મહાઆરતીનું આયોજન કરાયું હતું.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો