સોશિયલ મીડિયા અને OTT પ્લેટફોર્મ માટે નિયમો જાહેર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.25-02-2021

નેટફ્લિક્સ, અમેઝોન જેવા ઓટીટી પ્લેટફોર્મ, ફેસબુક-ટ્વીટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે હવે ભારત સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે. કેન્દ્રીય મંત્રી રવિ શંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકરે પ્રેસ કૉન્ફરન્સ કરીને આ અંગેની જાણકારી આપી હતી. આ અંગે યોજાયેલી યેક પ્રેસ કૉન્ફરન્સમાં કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકાર પ્રસાદે (Ravi Shankar Prasad) કહ્યુ કે, સોશિયલ મીડિયા કંપનીઓ વેપાર માટે ભારતમાં આવે તેની સામે કોઈ વાંધો નથી, પરંતુ સોશિયલ મીડિયાના ખોટા ઉપયોગ થવા પર ફરિયાદ માટે ફોરમ હોવું જોઈએ. નવી ગાઇડલાઇન પ્રમાણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ફરિયાદ મળવા પર વાંધાજનક સામગ્રી હટાવવી પડશે. સાથે જ ડિજિટલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાએ પણ સેલ્ફ રેગ્યુલેશન કરવું પડશે.

પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન રવિ શંકર પ્રસાદે જણાવ્યુ હતુ કે, વેપાર માટે આવતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનું અમે સ્વાગત કરીએ છીએ. સરકાર ટિપ્પણી માટે પણ તૈયાર છે. પરંતુ સોશિયલ મીડિયના ખોટા ઉપયોગ પર ફરિયાદ કરવા માટે ફોરમ મળવું જોઈએ. સોશિયલ મીડિયા ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે તે, ત્રણ મહિનામાં લાગૂ થઈ જશે.

મંત્રીના કહેવા પ્રમાણે ભારતમાં વોટ્સએપના 53 કરોડ યૂઝર્સ, ફેસબુકના 40 કરોડથી વધારે અને ટ્વિટરના એક કરોડથી વધારે યૂઝર્સ છે. ભારતમાં આ તમામનો ખૂબ ઉપયોગ થાય છે. પરંતુ આના પર જે ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી હતી તેના પર કામ કરવું જરૂરી છે.

પ્રેસ કૉન્ફરન્સમાં રવિ શંકર પ્રસાદે કહ્યુ કે, સુપ્રીમ કોર્ટે ઓનલાઇન પ્લેટફોર્મ પર નાખવામાં આવતી સામગ્રી અંગે માર્ગદર્શિકા તૈયાર કરવાનો આદેશ કર્યો હતો. આદેશ પ્રમાણે ભારત સરકારે માર્ગદર્શિકા તૈયાર કરી છે. રવિ શંકર પ્રસાદે જણાવ્યું કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે યૂઝર્સનું વેરિફિકેશન કરવું જોઈએ. હાલ સરકાર આ મામલે કોઈ હસ્તક્ષેપ નહીં કરે. પ્લેટફોર્મે જાતે જ આ કામ કરવું જોઈએ.

કેન્દ્રીય મંત્રીએ કહ્યુ કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે હવે ખાસ ઑફિસરની નિમણૂક કરવી પડશે. કોઈ પણ વાંધાજનક સામગ્રીને 24 કલાકમાં હટાવવી પડશે. પ્લેટફોર્મ્સે ભારતમાં પોતાના નૉડલ ઑફિસર, રેસિડેન્ટ ગ્રીવન્સ ઑફિસરની નિમણૂક કરવી પડશે. આ ઉપરાંત દર મહિને કેટલી ફરિયાદ પર પગલાં લેવામાં આવ્યા તેની જાણકારી સરકારને આપવી પડશે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યુ કે, અફવા ફેલાવનાર વ્યક્તિ કોણ છે તેની જાણકારી આપવી પડશે. માર્ગદર્શિકામાં ભારતની સંપ્રભુતા, સુરક્ષા અને વિદેશી સંબંધ સહિતના મુદ્દાઓને શામેલ કરાયા છે.

ડિજિટલ મીડિયા માટે ગાઇડલાઇન જાહેર કરતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, ઇલેક્ટ્રોનિક મીડિયાએ નિયમોનું પાલન કરવું પડે છે પરંતુ OTT અને ડિજિટલ મીડિયા પર કોઈ નિયમ નથી. અમે ઓટીટી પ્લેટફોર્મ માટે સેલ્ફ રેગ્યુલેશનની વાત કરી હતી પરંતુ તેવું થઈ શક્યું નથી.

મંત્રીના કહેવા પ્રમાણે ડિજિટલ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મે પોતાના કામની જાણકારી આપવી પડશે. તેઓ પોતાનું કન્ટેન્ટ કેવી રીતે તૈયાર કરે છે તેની જાણકારી આપવી પડશે. તમામ સેલ્ફ રેગ્યુલેશન લાગૂ કરવું પડશે. આ માટે એક ટીમ તૈતાર કરવામાં આવશે, જેને સુપ્રીમ કોર્ટના નિવૃત જજ અથવા કોઈ અન્ય વ્યક્તિ લીડ કરશે. ઇલેક્ટ્રોનિક મીડિયાની જેમ ડિજિટલ મીડિયાએ પણ ભૂલ થવા પર માફી પ્રસારિત કરવી પડશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો