પહેલી ફેબ્રુઆરીથી ધો. 9, 11 ની સ્કૂલો શરુ થશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.27-01-2021

રાજ્યમાં 10 મહિના બાદ ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ થવાના છે. ચાલુ મહિને જ ધોરણ 10 અને 12 નું શિક્ષણ કાર્ય શરૂ કરાયું હતું. ત્યારે આજની કેબિનેટ બેઠકમાં ધોરણ 9 અને 11 તથા ટ્યુશન ક્લાસીસ શરૂ કરવા અંગે નિર્ણય લેવાયો છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા એ આ વિશે કહ્યું કે, ચાલુ મહિનામાં ધોરણ 10 અને 12 શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં શરૂઆતથી જ બાળકોની હાજરી જોવા મળી છે. વાલીઓેએ પણ સંમતિ પત્રક મોટા પ્રમાણમાં આપ્યા છે. દિવસેને દિવસે વિદ્યાર્થીઓની હાજરીમાં પણ વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે મળેલી કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11 ના વર્ગો શરૂ કરશે. જેમાં શાળાઓએ સરકારની તમામ ગાઈડલાઈન નું પાલન કરવું ફરજિયાત રહેશે. અગાઉની એસઓપી અને સૂચનોનું ચુસ્તપણે પાલન કરવું પડશે.

તો સાથે જ ગુજરાતમાં ટ્યુશન ક્લાસિસ શરૂ કરવા પણ ગુજરાત સરકારે પરવાનગી આપી છે. આ અંગે ટ્યુશન ક્લાસના સંચાલકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. કોરોના કાળથી તેમની રોજીરોટી છીનવાઈ ગઈ હતી. ત્યારે આજે રાજ્ય સરકારે 1 ફેબ્રુઆરીથી રાજ્યમાં ટ્યુશન ક્લાસીસ શરૂ કરવાની મંજૂરી આપી છે. ક્લાસીસ સંચાલકોની રજૂઆત બાદ રાજ્ય સરકારે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરી નિર્ણય લીધો છે. શિક્ષણમંત્રીએ કહ્યું કે, 1 ફેબ્રુઆરીથી ગુજરાતમાં ધોરણ 9 થી 12ના ટ્યુશન ક્લાસીસને મંજૂરી આપવામાં આવી છે. જોકે, ટ્યુશન સંચાલકોએ તમામ ગાઈડલાઈનનું પાલન કરવુ જરૂરી બની રહેશે.

હોસ્ટેલ ક્યારે શરૂ થશે નકકી નથી: બહારથી આવતા અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓનું પ્રમાણ એવરેજ 15 ટકા હોય છે. સમરસ હોસ્ટેલ હોય કે અન્ય સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કોરોનાકાળ દમરિયાન ત્યાં કોવિડ કેન્દ્રો પણ શરૂ કરાયા હતા. જે હવે ખાલી થઈ રહ્યા છે. આ સંપૂર્ણ સ્થિતિની ચકાસણી અને અભ્યાસ કરવા માટે શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગના સચિવો નિરીક્ષણ કરીને રિપોર્ટ આપશે. તેથી ઉચ્ચ શિક્ષણનું કાર્ય પણ તારીખ જાહેર કર્યા બાદ શરૂ કરાશે. રૂમનો સેનેટાઈઝ કરવા, રૂમમાં કેટલા વિદ્યાર્થી રાખવા તેની રુબરુ માહિતી લઈને રિપોર્ટ આપશે. સચિવો સ્થળ પર જઈને ચકાસણી કરશે. જેના બાદ એફવાય અન એસવાયના પણ શિક્ષણકાર્ય કરી શકાશે. પરંતુ એસઓપી પ્રમાણે દરેક બાબતનું પાલન કરવાનું રહેશે.

ઉનાળું વેકેશન રહેશે ફક્ત 1 સપ્તાહનું જ: ગાંધીનગર: રાજયના શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે 2020-2021ના શૈક્ષણિક વર્ષનું ઉનાળુ વેકેશન ટુકાવાશે. દર વર્ષે 35 દિવસનું વેકેશન હોય છે તે આ વર્ષે ટુંકુ અર્થાત: માત્ર એકાદ સપ્તાહનું જ આપવામાં આવશે. તમામ શિક્ષણ બોર્ડને આ નિયમ લાગુ રહેશે. ઉનાળુ વેકેશન ટુંકાવવા પાછળનો આશય કોરોનાને કારણે બગડેલા શિક્ષણને સરભર કરવાનો ઉપરાંત નવા શૈક્ષણિક વર્ષમાં શિક્ષણકાર્ય સરળતાથી અને નોર્મલ રીતે ચાલુ રાખવાનો છે. ઉનાળુ વેકેશન ટુંકાવાના રાજય સરકારના નિર્ણયથી તમામ સ્કૂલ સંચાલકોએ આવકાર્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો