રાજકોટમાં કોરોનાને આમંત્રણરૂપી ભાજપનો સરપંચ સંવાદ કાર્યક્રમ

સીઆર પાટીલના કાર્યક્રમમાં 500થી વધુ લોકો એકઠા કરાયા, સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોનો ઉલાળિયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.18-01-2021

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ફરી સૌરાષ્ટ્રના પ્રવાસે નીકળ્યાં છે. આજે બપોર બાદ રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ખાનગી પાર્ટી પ્લોટમાં ભાજપ દ્વારા સી.આર.પાટીલની અધ્યક્ષતામાં સરપંચ સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપે 500થી વધુ લોકોને એકઠા કરતા કોરોનાને આમંત્રણરૂપી કાર્યક્રમ હોવાનું પ્રતિત થઈ રહ્યું છે. કારણ કે, કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમ સહિતની સરકારી ગાઈડલાઈનનો ઉલાળીયો થયો હતો.

સામાન્ય લોકોના સારા-માઠા પ્રસંગમાં 100થી 200 લોકોને જ એકઠા થવાની મંજૂરી આપવામાં આવે છે. પરંતુ સરપંચ સંવાદ કાર્યક્રમમાં 500થી વધુ લોકો એકઠા થતા ભાજપને કોરોનાના નિયમો લાગુ પડતા ન હોવાનું પોલીસ પણ સત્તાધિશો સામે નત મસ્તક હોવાનું સામે આવ્યું હતુ.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપે મજબૂત ટીમ બનાવવા આ કાર્યક્રમનું આયોજન કર્યુ હતું. આ કાર્યક્રમમાં અલગ અલગ ગામના મોટી સંખ્યામાં સરપંચો, જિલ્લા ભાજપના નેતાઓ, આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા. ઉપરાંત કેબીનેટ મંત્રી જયેશ રાદડિયા, ભુપેન્દ્રાસિંહ ચુડાસમા અને કુંવરજી બાવળિયા ઉપસ્થિત પણ રહ્યાં હતા.

રાજકોટમાં સરપંચ સંવાદ કાર્યક્રમ પહેલા સી.આર. પાટીલની આગેવાનીમાં પેજ સમિતિ કાર્યકર્તાનું સંમેલન પણ યોજાયું હતું. જેમાં વિધાનસભા-68ના પેજ સમિતિ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા. સી.આર. પાટીલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે સંગઠનાત્મક માર્ગદર્શન આપ્યું હતું.

ઉલ્લેખનિય છે કે, ઓગસ્ટ મહિનામાં સી.આર. પાટીલ પહેલી વાર સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા હતા ત્યારે રાજકોટની રેલીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડયા હતા. બાદમાં એક પછી એક ભાજપના નેતાઓ કોરોનાગ્રસ્ત થયા હતા તેમજ રાજ્યસભાના સાસંદ અભય ભારદ્વાજનું કોરોનાથી મૃત્યુ નિપજ્યું હતું.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો