કોરોના વૅક્સિન : હડતાળ પર રહેલા કર્મચારીઓને બદલે ખાનગી આરોગ્ય સ્ટાફનો પ્રથમ વારો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.15-01-2021 પે-ગ્રેડ સહિતની માંગણીઓના ટેકામાં રાજયભરનાં પંચાયત આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર છે. કોરોનાની રસી લેવાનો પણ ઈન્કાર કરી દીધો છે ત્યારે આવતીકાલથી આરંભાતા રસીકરણનાં કાર્યક્રમમાં પંચાયત આરોગ્ય કર્મીઓના સ્થાને અન્ય આરોગ્ય સ્ટાફનો વારો વ્હેલો લઈ લેવાનો વૈકલ્પિક પ્લાન તૈયાર કરવામાં આવ્યાના નિર્દેશ છે. ગુજરાત સહીત સમગ્ર દેશમાં કાલથી કોરોના રસીકરણની કામગીરી શરૂ થવાની છે.પ્રથમ તબકકે કોરોના વોરીયર્સ એવા આરોગ્ય કર્મીઓને રસી આપવાનું જાહેર કરાયું છે.ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી પંચાયત આરોગ્ય કર્મીઓ હડતાલ પર છે. રસીકરણની કામગીરી પણ કરવામાં નથી કે રસી પણ નહિં લેવાનું એલાન કર્યુ છે. કર્મચારીઓને રસી આપવાનો વારો આવે ત્યારે શું? તેવા સવાલ ઉદભવતા વૈકલ્પીક પ્લાન ઘડવામાં આવ્યો છે.

સુત્રોએ કહ્યું કે આરોગ્ય સ્ટાફને પણ વારાફરતી રસી આપવાની થાય છે. અગ્રતા ક્રમનું લીસ્ટ તૈયાર છે. હોસ્પીટલોમાં સ્ટાફ મૌજુદ હોવાથી રસીકરણને અસર થવાની શકયતા નથી. પંચાયત કર્મચારીઓનો વારો આવે અને તેઓની હડતાલ ચાલુ હોય તો વિકલ્પમાં અન્ય સરકારી કે ખાનગી આરોગ્ય ર્ક્મચારીઓનો વારો લઈ લેવામાં આવે અને પંચાયતનાં આરોગ્ય કર્મચારીઓને હડતાળ ખત્મ થયા બાદ રસી આપવામાં આવશે. પ્રારંભીક રસીકરણમાં સરકારી-ખાનગી ક્ષેત્રનાં 8000 કર્મચારીઓને રસી મુકાવાની થાય છે. એટલે પ્રારંભિક તબકકે કોઈ વાંધો આવે તેમ નથી. આરોગ્ય સ્ટાફને રસી આપવાનું શિડયુલ પૂર્ણ થયા બાદ બુથ લેવલે રસીકરણ શરૂ થાય ત્યારે પણ હડતાળ ચાલુ રહેવાના સંજોગોમાં રસીકરણને અસર થઈ શકે તેમ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો