આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર જશે, વેક્સિન આપશે પણ નહીં અને લેશે પણ નહીં

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-01-2021

સમગ્ર દેશની સાથે સાથે ગુજરાતમાં આગામી 16 જાન્યુઆરી 2021થી કોરોના વેક્સિનેશન અભિયાન શરૂ થઇ રહ્યું છે ત્યારે આ વેક્સિનેશનના વિતરણ માટે ગુજરાત સરકાર તમામ રીતે સજ્જ છે. 12 જાન્યુઆરીએ વેક્સિન અમદાવાદ એરપોર્ટ પર આવી જવાની છે. પરંતુ વેક્સિનેશનની આ તૈયારીઓ વચ્ચે એક નવું વિઘ્ન આડે આવ્યું છે. જે દિવસે વેક્સિન ગુજરાત આવશે એ દિવસથી જ પંચાયત સેવા હેઠળના આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર જશે. માત્ર એટલું જ નહીં, કોવિડ-19 અંતર્ગત આંદોલનના સમયગાળા દરમિયાન અસહકાર દાખવી આરોગ્ય કર્મચારીઓ રસી લેશે નહીં અને આપશે પણ નહીં.

‘આર યા પાર’ના સંકલ્પ અનુસાર ઉગ્ર લડતના કાર્યક્રમો જાહેર

ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘની યાદી મુજબ, પંચાયત સેવા હેઠળના આરોગ્ય આરોગ્ય કર્મચારીઓને ગુજરાત રાજ્ય આરોગ્ય મહાસંઘ, ગાંધીનગર દ્વારા આદેશ આપવામાં આવે છે કે, રાજ્ય સરકારને 20 ડિસેમ્બર 2018 અને 15 ડિસેમ્બર 2020ના આવેદનપત્ર તથા 1 જાન્યુઆરી 2021ની આંદોલનની લેખિત નોટિસ, 27 ફેબ્રુઆરી 2019 અને 25 ડિસેમ્બર 2019 એમ બે હડતાળના સમાધાનપત્રો થયા હોવા છતાં અને અગ્ર આરોગ્ય સચિવ સાથે 11 જાન્યુઆરી 2021ની બેઠકમાં સાનૂકુળ પ્રતિભાવ ન મળતા સફળ પરિણામ મળશે તેવા પ્રકારની પ્રતિતિ થઈ હોવાથી ના છૂટકે મહાસંઘને સરકાર સામે આંદોલન અંગેના જડબેસલાક કાર્યક્રમો આપવાની કડવી ફરજ પડી છે. જેથી ‘આર યા પાર’ના સંકલ્પ અનુસાર ઉગ્ર લડતના કાર્યક્રમો જાહેર કરવામાં આવે છે. જેનું રાજ્યના તમામ આરોગ્ય કર્મચારીઓએ પાલન કરવા જણાવવામાં આવે છે.

સત્યાગ્રહ છાવણી ખાતે સવારના 11થી 4 વાગ્યા સુધી ધરણા અને ઉપવાસ

પંચાયત હેઠળના આરોગ્ય કર્મચારીઓ 12 જાન્યુઆરી 2021થી અચોક્કસ મુદ્દતની હડતાળ પર જશે. જેને પગલે ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી, સેક્ટર-6 ખાતે સવારના 11થી 4 વાગ્યા સુધી મર્યાદિત સંખ્યામાં કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ, પ્રતિક ઉપવાસ તથા ધરણા અંગેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. કોવિડ-19 અંતર્ગત આંદોલનના સમયગાળા દરમિયાન અસહકાર દાખવી આરોગ્ય કર્મચારીઓ રસી લેશે નહીં અને આપશે પણ નહીં.

રાજ્યમાં 11 લાખથી વધુ ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સિનનો ડોઝ પહેલા અપાશે

કોરોના રસીકરણ કાર્યક્રમ કરવા માટે ગુજરાતમાં ચાર લાખથી વધુ હેલ્થકેરવર્કર્સ, 6 લાખથી વધુ ફ્રન્ટલાઇનવર્કર્સ, જેમાં પોલીસ, સફાઇકર્મચારી અને કોવિડની ડ્યૂટીમાં ડાયરેક્ટ ફરજ બજાવતા કર્મચારીઓનો સમાવેશ થાય છે, એમ કુલ 11 લાખથી વધુ કોવિડ કર્મચારીઓને વેક્સિનનો ડોઝ પહેલા અપાશે. તેમજ 50 વર્ષથી વધુની વયના લગભગ 1 કરોડ પાંચ લાખ નાગરિકો તેમજ 50 વર્ષથી નાના 2 લાખ 75 હજાર લોકો જે લોકો અન્ય બીમારીથી પીડાય છે તેમનો પણ ડેટાબેઝ તૈયાર કરી દેવામાં આવ્યો છે. ગુજરાતમા લગભગ 16 હજારથી વધુ હેલ્થવર્કર્સને વેક્સિનેટર તરીકેની વિશેષ ટ્રેનિંગ આપીને તૈયાર કરવામાં આવ્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો