મોરબી: રાઇડ્સ નિરીક્ષણ માટે કમિટી બનાવી પણ નિષ્ણાતોની તંગીના કારણે મંજૂરી મળવા અસમંજસ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા. 21-8,અમદાવાદન કાંકરિયામાં રાઈડ દુર્ઘટના બાદ સરકારે રાઈડ માટે આકરા નિયમો બનાવ્યા છે જેથી લોકમેળામાં મંજુરી માટે આયોજકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તો દેખાવ માટે તંત્ર કમિટીની રચના કરી રહી છે પરંતુ કમિટીમાં હજુ ટેકનીકલ સ્ટાફની અછત હોય જેથી નિરીક્ષણ કોણ કરશે તે પ્રશ્ન ઉદભવે છે

        અમદાવાદ રાઈડ દુર્ઘટના બાદ સરકારના કડક આદેશોને પગલે જન્માષ્ટમી લોકમેળા માટે પણ રાઈડ મંજુરી માટે નિયમો કડક બનાવ્યા છે અને રાઈડ મંજુરી માટે મોરબી જીલ્લા કલેકટર આર જે માકડિયા દ્વારા જીલ્લા કક્ષાએ રાઈડની તાંત્રિક નિરીક્ષણ અને પરીક્ષણ માટે સબ કમિટીની રચના કરવામાં આવી છે જેમાં અધ્યક્ષ તરીકે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર તેમજ સભ્યોમાં નાયબ જીલ્લા પોલીસ અધિક્ષક, નાયબ જીલ્લા વિકાસ અધિકારી, મોરબી, વાંકાનેર હળવદ અને માળિયા નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ નાયબ નિયામક ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ એન્ડ સેફટીની નિમણુક કરવામાં આવી છે જોકે રાઇડ્સ મંજુરી માટે જે ટેકનીકલ અને ઈલેક્ટ્રીકલ સ્ટાફ અને એન્જીનીયરની જરૂરિયાત હોય તે હજુ મોરબીમાં છે નહિ અલગ જીલ્લો બન્યો ત્યારબાદ હજુ મોરબી માર્ગ અને મકાન વિભાગને મીકેનીકલ કે ઈલેક્ટ્રીકલ એન્જીનીયર ફાળવાયા નથી તેવી માહિતી આધારભૂત સુત્રો પાસેથી પ્રાપ્ત થઇ છે ત્યારે રાઇડ્સ મંજુરી માટે બનાવેલી સબ કમિટી ફારસથી વિશેષ કશું નથી તેમ કહેવામાં અતિશયોક્તિ નહિ કહેવાય

મેળા શરુ થવાની તૈયારીમાં પરંતુ મંજુરી મળશે કે નહિ તે અસમંજસ 
        સાતમ આઠમના લોકમેળા લોકોમાં અનેરું મહત્વ ધરાવે છે રાઇડ્સમાં સેફટીની જરૂરિયાતને કોઈ અવગણી ના સકે આમ છતાં સરકારી તંત્ર સમય મુજબ કાર્ય કરે તે ઇચ્છનીય છે કારણકે લોકમેળા શરુ થવાને આડો ગણતરીના દિવસ જ  બાકી છે ત્યારે હજુ મંજુરી માટે આયોજકો દોડધામ કરી રહ્યા છે ત્યારે નાગરિકોને લોકમેળાની મોજ માણવા મળશે કે નહિ તે અંગે ભારે અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે અને સબ કમિટીની રચના પણ મોડે મોડે થતા આયોજકોમાં નારાજગી જોવા મળી રહી છે