કાશ્મીર મુદે પાકિસ્તાનને ઝટકો આપતુ ઈરાન

શહબાઝ શરીફે પાકિસ્તાનની મુલાકાતે આવેલા ઈરાનના રાષ્ટ્રપતિ સમક્ષ ભારતે કાશ્મીરમાં મુસ્લીમોનું લોહી વહાવ્યુ હોય તેવો આક્ષેપ કર્યો પણ ઈરાનના રાષ્ટ્રપતિએ જવાબ જ ન આપ્યો

પાકિસ્તાનમાં નવી સરકાર રચાયા બાદ ભારત સાથે સારા સંબંધો બાંધવાની હિમાયત કર્યા બાદ હવે ફરી આ દેશે તેનો અસલી રંગ પકડયો છે અને પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ કાશ્મીરની તુલના ગાઝાપટ્ટી સાથે કરીને કહ્યું હતું કે ભારતના અત્યાચારથી આ ક્ષેત્રમાં ઘણુ લોહી વહ્યું છે અને દુનિયાભરનાં મુસ્લીમોને એકતાની અપીલ કરી છે.

તો બીજી તરફ હાલ પાકિસ્તાનની મુલાકાતે રહેલા ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ રહીસીએ પાકિસ્તાનના ઈસ્લામીક કાર્ડને નજરઅંદાજ કરીને તેમના વિધાનોમાં કાશ્મીરનું નામ પણ લીધુ ન હતું. શહબાઝ શરીફે ઈરાનની પ્રશંસા કરતા કહ્યું કે બંને દેશો વચ્ચે 76 વર્ષ નહી પણ સદીઓ જુનો સંબંધ છે અને જયારે પાકિસ્તાનની રચના થઈ તો તેને માન્યતા આપનાર ઈરાન સૌથી પહેલુ હતું.

શરીફે ઈરાનના રાષ્ટ્રપતિને બિરાદરી ભાઈ ગણાવ્યા અને જાન-એ-બારાદાર એટલે કે બિરાદરીના વ્યક્તિ ગણાવ્યા અને ગાઝાપટ્ટી અંગે જાહેરમાં આ મુદો ઉઠાવવા બદલ ઈરાનની પ્રશંસા કરી. સાથોસાથ કાશ્મીરનો પણ રાગ આલોપ્યો હતો.

અહી મુસ્લીમોનું લોહી વહ્યુ છે તેવી વાત કહી હતી પરંતુ ઈરાનના રાષ્ટ્રપતિએ તેમના વિધાનોમાં કાશ્મીર અંગે કોઈપણ વિધાનો કરવાનું પસંદ કર્યુ ન હતું. આમ ઈરાનને પાકિસ્તાન મુદે પોતાની સાથે જોડવાના શરીફના પ્રયાસોને જબરો આંચકો લાગ્યો છે.