રશિયામાંથી ‘સસ્તા ભાવના ક્રૂડ’નો મોટો ફાયદો: ભારતના તેલ-ગેસ આયાતનું બીલ 16 ટકા ઘટ્યું

ક્રૂડ તેલની 35 ટકા આયાત માત્ર રશિયાથી થઇ: તેલ-ગેસનું કુલ ઇમ્પોર્ટ બીલ 144.2 અબજ ડોલરથી ઘટીને 121.6 અબજ ડોલર

દેશમાં ક્રૂડ ઓઇલની આયાત -2023-24માં 16 ટકા ઘટી હતી, પરંતુ તેમ છતાં આયાત પરની નિર્ભરતા નવી ટોચ પર પહોંચી છે. પેટ્રોલીયમ મંત્રાલયના પેટ્રોલીયમ પ્લાનિંગ એન્ડ એનાલિસીસ સેલ  (PPAC)ના ડેટા અનુસાર વર્ષ 2023-24માં દેશમાં કુલ 23.25 કરોડ ટન ક્રૂડ ઓઇલની આયાત થઇ હતી, જેમાંથી પેટ્રોલ અને ડીઝલ સહિતના ફ્યુઅલનું ઉત્પાદન થાય છે. ક્રૂડ ઓઇલની આયાતનું બિલ 132.4 અબજ ડોલર થયું હતું. અગાઉના વર્ષે પણ ઓલમોસ્ટ આટલી જ આયાત થઇ હતી પરંતુ બિલ 157.5 અબજ ડોલર થયું હતું.

સ્થાનિક ઉત્પાદન ખાસ વધ્યું ન હોવાથી આયાત કરાતા ક્રુડ ઓઇલ પરની નિર્ભરતા વધી છે. 2023-24માં આયાત પરની નિર્ભરતા વધીને 87.7 ટકા થઇ છે, જે અગાઉના વર્ષે 87.4 ટકા હતી. સ્થાનિક ક્રૂડ ઓઇલ ઉત્પાદન 2.95 કરોડ ટન રહ્યું હતું, જે ઓલમોસ્ટ અગાઉના વર્ષ જેટલું જ રહ્યું હતું.

ક્રુડ ઓઇલના ભાવમાં ભારે વોલેટિલિટી છતાં ગત સમગ્ર વર્ષ દરમ્યાન ભારતે રશિયા પાસેથી સસ્તા ભાવે ઓઇલ મેળવ્યું જેને કારણે વોલ્યૂમની દ્રષ્ટિએ ક્રૂડ ઓઇલની આયાત અગાઉના વર્ષ જેટલી હોવા છતાં આયાત બિલ ઘટયું હતું. એનર્જી કાર્ગો ટ્રેકર વોર્ટેક્સાના ડેટા અનુસાર 2023-24માં રશિયામાંથી આયાત થતાં ઓઇલની ટકાવારી 35 ટકા થઇ હતી, જે અગાઉના વર્ષે 23 ટકા હતી.

ક્રૂડ ઓઇલ ઉપરાંત ભારતે એલપીજી જેવી પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની 4.81 કરોડ ટનની આયાત પાછળ 23.4 અબજ ડોલરનો ખર્ચ કર્યો હતો. એલએનજી એટલે કે લિક્વિફાઇડ નેચરલ ગેસની પણ ભારત આયાત કરે છે. ગત વર્ષે 30.91 બિલિયન ક્યુબિલ મીટર ગેસની આયાત પાછળ 13.3 અબજ ડોલરનો ખર્ચ થયો હતો. 2022-23માં 26.3 બિલિયન ક્યુબિલ મીટર ગેસની આયાત પાછળ 17.1 અબજ ડોલરનો ખર્ચ થયો હતો. રશિયા-યુક્રેન યુદ્ધ ફાટી નીકળતા તે સમયે ભાવ ખાસ્સા વધી ગયા હતા.

જો કે આ સાથે જ દેશમાંથી પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની 6.22 કરોડ ટનની નિકાસમાંથી 47.4 અબજ ડોલરની આવક પણ થઇ હતી. ઓઇલ અને ગેસની આયાતનું નેટ બિલ 2023-24માં 121.6 અબજ ડોલર થયું હતું, જે અગાઉના વર્ષે 144.2 અબજ ડોલર હતું.

 મૂલ્યની દ્રષ્ટિએ દેશની કુલ આયાતમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની આયાત 2023-24માં 25.1 ટકા રહી હતી જે 2022-23માં 28.2 ટકા હતી. એ જ રીતે પેટ્રોલીયમ પ્રોડક્ટ્સની નિકાસ દેશની કુલ નિકાસના 12 ટકા રહી હતી, જે અગાઉના વર્ષે 14 ટકા હતી.

દેશમાં ફ્યૂઅલ (ઇંધણ)નો વપરાશ 2023-24માં 4.6 ટકા વધીને 23.33 કરોડ ટન થયો હતો. 2022-23માં ઇંધણનો વપરાશ 22.3 કરોડ ટન હતો. 2021-22માં વપરાશ 20.17 કરોડ ટન હતો. દેશમાં ક્રૂડ ઓઇલ ઉત્પાદન ખૂબ જ સીમિત છે, પરંતુ રિફાઇનિંગ કેપેસિટ સરપ્લસ છે. આથી ડીઝલ જેવી પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની નિકાસ શક્ય બને છે. પીપીએસીના ડેટા અનુસાર 2023-24માં 23.33 કરોડ ટન ઇંધણના વપરાશ સામે ઉત્પાદન 27.61 કરોડ ટન થયું હતું.