ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ, હજુ આટલા દિવસ સહન કરવું પડશે

ગુજરાતમાં અત્યારે કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બુધવારે ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન 42થી 44 ડિગ્રી જેટલું રહ્યું હતું. લોકો રીતસરના અગનભઠ્ઠીમાં શેકાતા હોય તેવો અનુભવ થઇ રહ્યો હતો. હવામાન વિભાગના કહેવા મુજબ હજુ 2 દિવસ લોકોએ આ અગનભઠ્ઠીમાં શેકાવું પડશે.

ગુજરાતમાં અત્યારે જે સખત ગરમી પડી રહી છે તેનું કારણ એવું છે કે, એન્ટી સાઇક્લોનિક સરક્યુલેશનને કારણે બુધવારે પવનની દિશા બદલાઇ હતી. ઉત્તરથી ઉત્તર-પૂર્વના ગરમ પવનો શરૂ થયા અને તેની સાથે વાતાવરણમાં નીચલા લેવલે એક એન્ટી સાઇક્લોનિક સરક્યુલેશન સક્રીય હતું, જેને કારણે ગરમ પવનો સીધા જમીન પર આવી ગયા. ગુજરાતમાં સૌથી વધારે તાપમાન અમરેલીમાં 44 ડિગ્રી નોંધાયું છે. પોરબંદર, જુનાગઢ, ભાવનગરમાં સિવિયર હીટવેવની આગાહી છે.