રાજ્યના આ જિલ્લાઓમાં સાચવજો! હવામાન વિભાગની વરસાદ પડવાની આગાહી

રાજ્યમાં ગુરૂવારે કાળઝાળ ગરમીની વચ્ચે કેટલાક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ અને કેટલીક જગ્યા પર કરા પણ પડ્યા છે. ત્યારે આજે શુક્રવારે હવામાન વિભાગે બે દિવસમાં કેટલાક જિલ્લાઓમાં માવઠાની આગાહી પણ કરી છે. તો રાજ્યના ભૂજમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રીને પાર જતુ રહ્યુ છે. આ સાથે હવામાન વિભાગે દરિયા કિનારાના વિસ્તારોમાં ડિસકમ્ફર્ટની સ્થિતિની પણ આગાહી કરી છે

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, આગામી બે દિવસ ગુજરાતના મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી ઘટાડો નોંધાશે. જે બાદ મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધારો નોંધાશે તેવું અનુમાન છે. મહત્તમ તાપમાનની વાત કરતા તેમણે જણાવ્યુ કે, છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 38.5 ડિગ્રી અને ગાંધીનગરમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. જ્યારે ગુજરાતમાં સૌથી વધુ ભૂજમાં 41.2 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

આ સાથે તેમણે આગામી 24 કલાકમાં તાપમાન અંગેની આગાહી કરતા જણાવ્યુ કે, અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી 24 કલાકમાં 39 ડિગ્રી તાપમાન થવાની શક્યતા છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે પરંતુ વરસાદ થવાની શક્યતા હાલ નથી. આ સાથે તેમણે જણાવ્યુ કે, હીટવેવની આગાહી નથી.

રામાશ્રય યાદવે આગાહીમાં જણાવ્યુ છે કે, દરિયા કિનારે ડે ચોથા અને પાંચમા દિવસે એટલે 15 અને 16 તારીખના સૌરાષ્ટ્ર અને કચ્છના રોજ ડિસકમ્ફર્ટ કન્ડિશન બની રહેશે,

મોસમ વૈજ્ઞાનિકે વરસાદ અંગેની આગાહી કરતા જણાવ્યુ કે, રાજ્યમાં બે દિવસ વરસાદ વરસવાની આગાહી છે. બે દિવસમાં વલસાડ, સુરત, નવસારી, ભરૂચ, આણંદ, નર્મદા, દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્ના અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ અને દીવમાં વરસાદ વરસવાની આગાહી છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, આજે ગીર સોમનાથ, દાદરા નગર હવેલી, ભાવનગર અને દીવમાં કમોસમી વરસાદની આગાહી છે.

આ સાથે તેમણે આવતીકાલે વરસાદની આગાહી અંગે જણાવ્યુ કે, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ, ગીર સોમનાથ, દાદરા નગર હવેલી, ભાવનગરમાં માવઠું પડવાનું છે.

રામાશ્રય યાદવે દાહોદમાં કરા પડ્યા પાછળનું કારણ જણાવતા કહ્યુ કે, ગુજરાત પર વિન્ડ ડિસકન્ટ્યુનીટી સર્જાઇ હતી જેના કારણે દાહોદમાં કરા પડ્યા હતા.