બજાજ ટૂંક સમયમાં જ લોન્ચ કરી શકે છે તેની CNG બાઈક!

દેશની અગ્રણી ઓટોમોબાઈલ કંપની બજાજ ટૂંક સમયમાં જ CNG બાઈક લોન્ચ કરે તેવી શક્યતા છે. બજાજ ઓટોના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ બજાજે શુક્રવારે જણાવ્યું હતું કે, બજાજ ઓટો ક્લિન ફ્યુઅલ CNG મોટરસાઈકલનો પોર્ટફોલિયો તૈયાર કરી રહી છે અને આવી પ્રથમ બાઈક જૂનમાં બજારમાં આવશે. આ બાઈક સીએનજીથી ચાલશે અને જૂનમાં રસ્તાઓ પર ઉતરશે, એમ તેમણે આગામી પાંચ વર્ષમાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી માટે બજાજ જૂથની 5,000 કરોડ રૂપિયાની પ્રતિબદ્ધતાની જાહેરાત કરતાં જણાવ્યું હતું.

નવી બાઈક માઈલેજ પ્રત્યે જાગૃત ગ્રાહકોને લક્ષ્ય બનાવશે અને તેને અલગ બ્રાન્ડ હેઠળ લોન્ચ કરવામાં આવે તેવી અપેક્ષા છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ગ્રાહકોને સુવિધા આપવા માટે પેટ્રોલ અને સીએનજી ઇંઈણના વિકલ્પો ઓફર કરવા માટે એક ખાસ ટાંકી હોવા ઉપરાંત ઉત્પાદનના ઊંચા ખર્ચને કારણે CNG બાઈકની કિંમત તેમના પેટ્રોલથી ચાલતા બાઈક કરતાં વધુ હશે. બજાજે એમ પણ કહ્યું હતું કે 20 વર્ષ પહેલા લોન્ચ કરવામાં આવેલી તેની પલ્સર બાઈક ટૂંક સમયમાં 20 લાખ યુનિટના આંકાડા પર પહોંચી જશે.

બીજી તરફ પાંચ વર્ષમાં સોશિયલ ઈમ્પેક્ટની પહેલ માટે 5,000 કરોડ રૂપિયાની પ્રતિબદ્ધતા ‘બજાજ બિયોન્ડ’ હેઠળ કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે તેના તમામ CSR અને ચેરિટેબલ કાર્યક્રમો માટે જૂથની નવી ઓળખ છે. આનાથી બે કરોડથી વધુ યુવાનોને ફાયદો થશે અને તેઓ ભારતની વધતી અર્થવ્યવસ્થા દ્વારા આપવામાં આવતી રોજગાર અને ઉદ્યોગસાહસિક તકોનો લાભ લેવા સક્ષમ બનશે.

બજાજ ઓટોના ચેરમેન નિરજ બજાજે જણાવ્યું હતું કે, બજાજ ફેમિલીના બિઝનેસમાં અને તેના પરોપકારી પ્રયાસોમાં સામાજિક જવાબદારી ઊંડે ઊંડે જોડાયેલી છે. છેલ્લાં 10 વર્ષોમાં બજાજ જૂથે CSR પાછળ લગભગ 4,000 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું છે જે મોટાભાગે કૌશલ્ય અને શિક્ષણ, આરોગ્ય, આજીવિકા, જળ સંરક્ષણ અને વિકાસના અન્ય ઘણા ક્ષેત્રો પર કેન્દ્રિત છે.