ગુજરાત પોલીસની કમાલ: સાઇબર ક્રાઇમ રોકવા તૈયાર કરેલા ‘AI ટૂલ’નો દેશભરમાં ઉપયોગ થશે

ડીજીટલ યુગમાં છેતરપીંડી-ઠગાઇ માટેનું માધ્યમ બની ગયેલા સાઇબર ક્રાઇમને કાબૂમાં લેવા માટે કેન્દ્ર સરકારે હવે આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સ (એઆઇ) આધારિત પ્રોજેક્ટ શરૂ કરવાની તૈયારી કરી છે. સંચાર સાથી પોર્ટલ પર આ સુવિધા શરુ કરાશે.

ગ્રાહકો એઆઇની મદદથી શંકાસ્પદ કોલ, સ્પામ કે નંબર વિશેની માહિતી આપશે અને તેના આધારે તપાસ થશે. મહત્વની વાત એ છે કે આ આર્ટીફીશીયલ ટુલ સુરતમાં તૈયાર કરાયું છે જેનાથી દેશભરમાં સાઇબર ક્રાઇમ રોકવામાં મદદ મળશે.

સંચાર સાથી કેવી રીતે કાર્ય કરે છે?

ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે ગયા વર્ષે મે મહિનામાં સંચાર સાથી પોર્ટલ લોન્ચ કર્યું હતું. સંચાર સાથીની મદદથી મોબાઈલ ફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો તેને કેવી રીતે બ્લોક, ટ્રેક અને ટ્રેસ કરી શકાય છે. તેનાથી તેનો ડેટા અને અંગત વસ્તુઓ સુરક્ષિત રાખવામાં મદદ મળશે, તે સિમ કાર્ડની સાથે ફોનને પણ બ્લોક કરી શકે છે. સંચાર સાથી પોર્ટલનો ઉપયોગ કરીને અત્યાર સુધીમાં 40 લાખથી વધુ છેતરપિંડી કરનારા કનેક્શનની ઓળખ કરવામાં આવી છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા ઇન્ટેલિજન્સ યુનિટ વિશ્લેષણ કરશે

સંચાર સાથીમાં ફરિયાદ નોંધ્યા પછી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એન્ડ ડેટા ઈન્ટેલિજન્સ યુનિટ તે નંબરની કુંડળી કાઢશે. DIU જણાવશે કે નંબર કોના નામે છે? KYCની વિગતો શું છે? તે ક્યાંથી ચલાવવામાં આવી રહી છે? આ સાથે તે ગ્રાહકના સ્થાન અને પ્રવૃત્તિની તપાસ કરવામાં આવશે. આ તમામ વિગતો ગૃહ મંત્રાલય સાથે પણ શેર કરવામાં આવશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરત જ તેના આઉટગોઇંગ કોલને બંધ કરી દેશે. આ પછી ગ્રાહકને ફરીથી KYC માટે પૂછવામાં આવશે.

સુરત પોલીસે સાયબર ક્રાઈમ સામે ટૂલ બનાવ્યું

 આ પહેલા ગુજરાત રાજ્યની સુરત પોલીસે સાયબર ક્રાઈમ સામે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને પોતાનું હથિયાર બનાવ્યું છે. સુરત પોલીસના એડિશનલ પોલીસ કમિશનર શરદ સિંઘલે જણાવ્યું હતું કે ‘એક ચેટબોટ બનાવવામાં આવ્યો છે જે ભોગ બનનાર સાથે તેમની પસંદગીની ભાષામાં વાતચીત કરશે.’ સાયબર ક્રાઇમનો ભોગ બનેલા લોકો તેમના નજીકના પોલીસ સ્ટેશનને શોધવા માટે ‘ફાઇન્ડ માય પોલીસ સ્ટેશન’ સુવિધાનો ઉપયોગ કરી શકશે.