સૈન્યની દ્રષ્ટિએ ભારત વિશ્વનો ચોથો સૌથી શક્તિશાળી દેશ: ગ્લોબલ ફાયરપાવરનું રેન્કિંગ

145 દેશોને સૈન્ય તાકાતના આધારે સામેલ: સૈન્ય શકિતમાં અમેરિકા પ્રથમ સ્થાને

સૈન્યની દ્વષ્ટિએ ભારત વિશ્ર્વનો ચોથો સૌથી શક્તિશાળી દેશ છે. ખરેખર ગ્લોબલ ફાયરપાવર રેન્કિંગ બહાર પાડવામાં આવ્યું છે. આ રેન્કિંગમાં અમેરિકાને સૈન્ય દ્રષ્ટિએ વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ ગણવામાં આવ્યો છે. રશિયા અને ચીન અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. ગ્લોબલ ફાયરપાવરની રેન્કિંગ અનુસાર, ભારતને 0.1023નો સ્કોર મળ્યો છે. જ્યારે અમેરિકાને 0.0699, રશિયાને 0.0702 અને ચીનને 0.0706નો સ્કોર મળ્યો છે. આ રેન્કિંગ અનુસાર, 0.0000નો સ્કોર પરફેક્ટ માનવામાં આવે છે.

2024 માટે ગ્લોબલ ફાયરપાવરની યાદીમાં કુલ 145 દેશોને તેમની સૈન્ય તાકાતના આધારે સામેલ કરવામાં આવ્યા છે. ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન આ યાદીમાં નવમા સ્થાને છે. જ્યારે ઈટાલીને 10મું સ્થાન મળ્યું છે. ટોચના 10 શક્તિશાળી દેશોમાં દક્ષિણ કોરિયા, બ્રિટન, જાપાન અને તુર્કી પણ સામેલ છે.

ગ્લોબલ ફાયરપાવરએ સૈનિકોની સંખ્યા, સૈન્ય સાધનો, નાણાંકીય સ્થિરતા, સૈન્ય સંસાધનો, કુદરતી સંસાધનો, ઉદ્યોગ અને ભૌગોલિક સ્થિતિ સહિતના ઘણા પરિમાણોને ધ્યાનમાં રાખીને યાદી તૈયાર કરી છે.ગ્લોબલ ફાયરપાવરએ તેની વેબસાઈટ પર લખ્યું છે કે, અમારું ફોમ્ર્યુલા નાના, તકનીકી રીતે આધુનિક દેશોને મોટા અને ઓછા વિકસિત દેશો સાથે સ્પર્ધા કરવાની મંજૂરી આપે છે.

આ બહુપરીમાણીય અભિગમનો હેતુ ઘાતકતાથી આગળ લશ્કરી ક્ષમતાઓનું વધુ સંપૂર્ણ ચિત્ર રજૂ કરવાનો છે.’ આ ઈન્ડેક્સમાં ફ્રાન્સ 11મા સ્થાને છે. ફ્રાન્સ પછી બ્રાઝિલ, ઈન્ડોનેશિયા, ઈરાન, ઈજિપ્ત, ઓસ્ટ્રેલિયા, ઈઝરાયેલ, યુક્રેન, જર્મની અને સ્પેનને ટોચના 20 શક્તિશાળી દેશોમાં સ્થાન મળ્યું છે.