બેન્ક FD કરાવનારાઓ માટે ખુશખબર, લાંબા સમય સુધી વ્યાજદર ઉંચા રહેશે

ભારતમાં રેટ હાઈકની સાઈકલ પૂરી થઈ ગઈ તેમ માનવામાં આવે છે, પરંતુ બેન્ક એફડીના રેટ પરથી લાગે છે કે હજુ વધારે સમય સુધી વ્યાજદર ઉંચા રહેશે. બેન્કો વચ્ચે ડિપોઝિટ ખેંચવા માટે રીતસર સ્પર્ધા ચાલે છે. તેના કારણે ઘણી બેન્કોએ FDના દરમાં 0.25 ટકાથી 0.50 ટકા સુધી વધારો કર્યો છે.

ભારતમાં ઈન્વેસ્ટમેન્ટ માટે આજે ઢગલાબંધ સાધનો છે છતાં એક મોટો વર્ગ બેન્ક ફિક્સ્ડ ડિપોઝિટ પર જ ભરોસો ધરાવે છે. શેરબજાર લિંક્ડ પ્રોડક્ટમાં વધારે વળતર મળવાની શક્યતા હોવા છતાં મોટા ભાગના ભારતીયો આજે પણ એફડીમાં જ રૂપિયા મૂકવાનું પસંદ કરે છે. બેન્ક એફડીમાં મળતું રિટર્ન ફુગાવાના પ્રમાણમાં ઓછું હોવાથી તેમાં સરવાળે નુકસાન જાય છે તેવી દલીલ કરવામાં આવે છે. પરંતુ હાલની સ્થિતિ જોતા લાગે છે કે બેન્ક એફડી માટે વ્યાજના દર હજુ પણ ઉંચા રહેશે.

એક્સપર્ટ માને છે કે મજબૂત ક્રેડિટ ગ્રોથ, લિક્વિડિટીની ચુસ્ત સ્થિતિ અને ફંડ્સ માટે બેંકો વચ્ચે ગળાકાપ સ્પર્ધાના કારણે ફિક્સ્ડ ડિપોઝિટના દર ઊંચા રહેશે. એસબીઆઈ અને કોટક મહિન્દ્રા બેન્કે તાજેતરમાં તેમના Bank FDના રેટમાં વધારો કર્યો છે. જ્યારે ડીસીબી બેન્કે ચોક્કસ સમયગાળા માટે બેન્ક એફડીના દર વધાર્યા છે. તરલતાની ચુસ્ત સ્થિતિના કારણે બેન્કોએ રેટમાં વધારો કરવો પડ્યો છે.

હાલમાં મોટી બેન્કો તથા સ્મોલ ફાઈનાન્સ બેન્કો તેમના ફિક્સ્ડ ડિપોઝિટના રેટ વધારી રહી છે જેથી કરીને વધુને વધુ લોકો ત્યાં એફડી બૂક કરાવે. ગયા સપ્તાહમાં એસબીઆઈએ ચોક્કસ સમયગાળા માટે તેના એફડીના દરમાં 0.25 ટકાથી 0.50 ટકા સુધી વધારો કર્યો હતો. હવે એસબીઆઈ 400 દિવસની એફડી માટે 7.10 ટકા વ્યાજદર ઓફર કરે છે. આ સ્કીમ 31 માર્ચ 2024 સુધી અમલમાં રહેશે.

તેવી જ રીતે કોટક મહિન્દ્રા બેન્કે પણ ચોક્કસ એફડીના દરમાં 0.50 ટકાથી 0.75 ટકા સુધી વધારો કર્યો છે. દરમિયાન ડીસીબી બેન્ક જેવી નાની બેન્કે તેના એફડીના દરમાં 10 બેસિસ પોઈન્ટનો વધારો કરતા નવા વ્યાજના દર 7.85 ટકા છે. આ એફડી 12 મહિના અને 1 દિવસથી લઈને 12 મહિના અને 10 દિવસની મુદ્દત માટે છે. 25 મહિનાથી 26 મહિના સુધીની એફડી માટે વ્યાજનો દર વધારીને 8 ટકા કરવામાં આવ્યો છે.

બેન્કો વચ્ચે અત્યારે ડિપોઝિટ આકર્ષવા માટે કોમ્પિટિશન ચાલે છે જેના કારણે તેમણે Bank FDના દર વધારવા પડ્યા છે. હાલમાં ડિપોઝિટ ગ્રોથ વધ્યો છે, છતાં ક્રેડિટ ગ્રોથની તુલનામાં હજુ ઘણો પાછળ છે. એવું લાગે છે કે હજુ લાંબા ગાળા માટે બેન્કોએ એફડીના દર ઉંચા રાખવા પડશે. અત્યારે પણ કેટલીક સ્મોલ ફાઈનાન્સ બેન્કો સહેલાઈથી 8.50 ટકાથી લઈને 9 ટકા સુધી વ્યાજદર ઓફર કરે છે. તેમાં પણ સિનિયર સિટિઝન માટે વધુ 0.50 ટકા વ્યાજદર રાખવામાં આવે છે.

બેન્કિંગ સેક્ટરમાં લિક્વિડિટીનું પ્રમાણ ઓગસ્ટમાં 2.50 લાખ રૂપિયા સુધી સરપ્લસ હતું. પરંતુ સરકારે 2000 રૂપિયાની નોટ પાછી ખેંચી લીધી ત્યાર પછી લિક્વિડિટીમાં 1.20 લાખ કરોડની ઘટ પછી છે. ત્યારે બેન્ક ઓફ બરોડાના દર 6.85 ટકાની આસપાસ છે જ્યારે કોટક બેન્કના 390 દિવસના ફિક્સ્ડ ડિપોઝિટના દર 7.15 ટકા ચાલે છે.