મોરબીમાં હવે તમામ તાલુકા મથકે ડાયાલિસિસ સેન્ટરની અદ્યતન સુવિધા ઉપલબ્ધ બનશે

માળીયા,  હળવદ તથા ટંકારામાં ડાયાલિસિસ સેન્ટર કાર્યરત કરાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.03-09-2022

કિડનીના દર્દીઓને અદ્યતન સુવિધા સાથે નિશુલ્ક સારવાર મળી રહે તે હેતુથી ટૂંક સમયમાં મોરબી જિલ્લાના માળિયા હળવદ તથા ટંકારા એમ ત્રણ તાલુકા મથકોએ ડાયાલિસિસ સેન્ટર કાર્યરત કરવામાં આવનાર છે. મોરબી તથા વાંકાનેર ખાતે અગાઉથી ડાયાલિસિસ સેન્ટર કાર્યરત છે ત્યારે હવે જિલ્લાના તમામ તાલુકાઓમાં કિડનીના દર્દીઓ માટે ડાયાલિસિસની સારવાર મેળવવી સહજ બનશે.

જિલ્લાના તમામ તાલુકાઓમાં કિડનીના દર્દીઓ માટે ડાયાલિસિસની સુવિધા પ્રાપ્ત થવાથી તેમને ઘર આંગણે ખૂબ સારી સુવિધા ઉપલબ્ધ થશે ઉપરાંત ખાનગી દવાખાનામાં સારવાર અર્થે તેમના પર પડતા નાણાકીય ભારમાંથી પણ કિડનીના દર્દીઓને હવે વધુ રાહત મળશે.

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યમાં દર ૩૦ થી ૪૦ કિલોમીટરના અંતરે ડાયાલિસિસની અધ્યતન સુવિધા પ્રાપ્ત થાય તે હેતુથી ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ દરેક જિલ્લામાં ડાયાલિસિસ સેન્ટર કાર્યરત કરવામાં આવી રહ્યા છે જ્યાં કિડનીના દર્દીઓને તમામ સુવિધા વિનામૂલ્ય મળી રહે છે.