ગુજરાતમાં IAS-IPSની બદલીનું કાઉન્ટડાઉન શરૂ: ગમે ત્યારે નીકળશે ઘાણવો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22-08-2022

છેલ્લા ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે બદલીઓ તહેવારો પૂર્ણ થતાંની સાથે જ થવાનું કરાશે શરૂ: અનેક અધિકારીઓએ ‘મનપસંદ’ જગ્યા માટે છેલ્લી ઘડીનું લોબિંગ કર્યાની પણ ચર્ચા: ચૂંટણી પહેલાં નીકળનારા જમ્બો લિસ્ટ પર સૌની રહેલી નજર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ માહોલમાં ગરમાવો આવી રહ્યો છે. ભાજપ-કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટી પણ પૂરજોશમાં પોતાની તાકાત લગાવી રહી છે. આ બધાની વચ્ચે છેલ્લા ઘણા સમયથી રાજ્યના આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની પેન્ડીંગ પડેલી બદલીઓનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયાનું જાણવા મળી રહ્યું છે અને ગમે ત્યારે બદલીઓનો ઘાણવો નીકળશે તેવી અટકળો અને અનુમાનો વ્યક્ત થવા લાગ્યા છે. આમ તો આઈએએસ-આઈપીએસ અધિકારીઓની બદલી પાછલા મહિનાઓમાં જ થઈ જવાની હતી પરંતુ તહેવારોને કારણે તેને બ્રેક લગાવી દેવામાં આવી હતી.

સ્વાતંત્ર્ય પર્વ બાદ હવે જન્માષ્ટમીનું પર્વ પણ પૂર્ણ થઈ ગયું છે ત્યારે હવે અધિકારીઓની બદલીઓનો વિસ્તૃત ઘાણવો નીકળવાની ઘડીઓ ગણાઈ રહી છે. બીજી બાજુ બદલીઓ થવાની હોવાથી અનેક અધિકારીઓએ પોતપોતાના ‘છેડા’ મારફતે ‘મનપસંદ’ જગ્યા ઉપર પોસ્ટીંગ મેળવવા માટે લોબિંગ શરૂ કરી દીધાનો ગણગણાટ પણ શરૂ થઈ ગયો છે ત્યારે આ અધિકારીઓને ગમતી જગ્યા મળે છે કે પછી સરકાર ભલામણને નહીં માનીને તેના દ્વારા નક્કી કરાયેલી જગ્યાએ જ પોસ્ટીંગ આપવામાં આવે છે તે તો આવનારો સમય કહેશે. બીજી બાજુ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે બહુ વધુ સમય બાકી રહ્યો નથી

ત્યારે તેના પહેલાં જ આઈએએસ-આઈપીએસ અધિકારીઓની બદલીઓના નીકળનારા ‘જમ્બો’ લિસ્ટ ઉપર સૌની નજર મંડાયેલી છે. ઉચ્ચ અધિકારીઓની બદલીઓ બાદ સરકાર દ્વારા ટૂંક સમયમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતાં પીઆઈ, પીએસઆઈ સહિતનાની બદલીઓનું મોટું લિસ્ટ જાહેર કરે તેવી શક્યતા સેવાઈ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના અનેક શહેરોમાં એવા ઘણા બધા અધિકારીઓ છે જેમની બદલીનો સમય પૂર્ણ થઈ ગયાને મહિનાઓ વીતી ગયા છે આમ છતાં તેમની બદલીઓ થઈ રહી ન હોવાથી ક્યાંકને ક્યાંક છૂપો રોષ પણ જોવા મળી રહ્યો હતો. જો કે પોતાની બદલી કરવામાં આવે તેવું કોઈ અધિકારી કહેતા નહોતા પરંતુ હવે ચૂંટણી નજીક હોવાથી સરકાર અધિકારીઓની બદલીઓમાં જરા પણ વિલંબ કરવા માંગતી ન હોવાથી ગમે ત્યારે લિસ્ટ જાહેર થઈ શકે છે. સંભવત: ચાલું સપ્તાહે જ બદલીઓની યાદી જાહેર થાય તેવી સંભાવના નકારી શકાતી નથી.