આમરણ ચોવીસીના અતિવૃષ્ટિગ્રસ્ત ગામોની મુલાકાત લેતા કૃષિ મંત્રી રાઘવજી પટેલ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22-08-2022

કૃષિ મંત્રી રાઘવજી પટેલે ગત રવિવારે આમરણ ચોવીસી વિસ્તારના અતિવૃષ્ટિગ્રસ્ત ગામોની મુલાકાત લઈ ત્યાંની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

વર્ષાઋતુ સંદર્ભે હાલ મેઘરાજાએ ગુજરાત પર ખૂબ મહેર કરી છે. ઘણા વિસ્તારોમાં ભારે/અનરાધાર વરસાદના પગલે કૃષિમાં પણ નુકશાન થયું છે. જે અન્વયે કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન કેબિનેટમંત્રી  રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના ભીમકટા, માણામોરા, કોઠારીયા, દુધઈ તેમજ મોરબીના આમરણ, બેલા(આ), ઉટબેટ સામપર, ફડસર, ઝીંઝોડા, રાજપર, નવા ખારચીયા તેમજ રામનગર ગામની મુલાકાત લીધી હતી.

આ તકે મંત્રી એ જણાવ્યું હતું કે, કોઈ પણ કુદરતી આપત્તિ સમયે સરકાર હંમેશા ખેડૂતોના પડખે ઊભી છે. વધુમાં મંત્રી એ ત્યાંની પરિસ્થિતીની સમીક્ષા કરી ખેડૂતો સાથે વાર્તાલાપ પણ કર્યો હતો.

આ તકે મંત્રી  સાથે જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ  ધરમશીભાઇ ચનિયારા, મોરબી જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન  જયંતિભાઈ પડસુંબીયા, અગ્રણી  દુર્લભજીભાઈ દેથરિયા,  મોરબી ખેતીવાડી અધિકારી  ડૉ. વિક્રમસિંહ ચૌહાણ તથા સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.