ગુજરાતમાં 1 કરોડ ઘરો તથા સરકારી કચેરીમાં 13 થી 15 ઓગસ્ટ સુધી રાષ્ટ્રધ્વજ ફરકશે

રાજય સરકાર 50 લાખ તિરંગાની ખરીદી કરશે: કેબિનેટમાં નિર્ણય

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.19-07-2022

આગામી 13 થી 15 ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશની 100 કરોડ થી વધુ નાગરિકો પોતાના ઘર ઉપર ત્રણ દિવસ સુધી તિરંગો લહેરાવી ઘરઘર તિરંગા અભિયાનમાં જોડાઈ તે માટે ગુજરાત સરકાર જેમ પોર્ટલ મારફત 50 લાખ તિરંગાની ખરીદી કરશે અને લોક ભાગીદારી થી આ અભિયાન ગુજરાતમાં પણ યોજાય તેવું આયોજન કરવામાં આવ્યું છે જેની આજે કેબિનેટ બેઠકમાં સવિશેષ ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી.

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ ઘર ઘર તિરંગા અભિયાન અંતર્ગત કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને તેમની સરકાર દ્વારા કરેલી ચર્ચા અને નિર્ણયો અંગેની વિગતો આપતા કહ્યું કે તાજેતરમાં જ ભારત સરકારના ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી જેમાં ગુજરાત સરકાર તરફથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પણ અમિતભાઈ શાહ સાથે વીડિયો કોન્ફરન્સ માધ્યમથી આ અભિયાનની કરેલી તૈયારીઓ અંગે માહિતી આપી હતી.

તો બીજી તરફ આજે કેબિનેટ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યા મુજબ શહેરી વિસ્તારના 50 લાખ અને ગ્રામીણ વિસ્તારના 50 લાખ ઘરો ઉપર સતત ત્રણ દિવસ સુધી તિરંગો લહેરાવવામાં આવશે. આ ઉપરાંત રાજ્યની શાળા કોલેજ શહીદ સરકારી તમામ કચેરીઓ પોલીસ સ્ટેશન હોસ્પિટલ એસટી ડેપો સહિત જાહેર સ્થળો ઉપર પણ તિરંગો લહેરાવવામાં આવશે.

સાથે સાથે આ અભિયાનમાં નાગરિકો સ્વયં જોડાય અને લોક ભાગીદારીથી આ અભિયાન થાય તે હેતુથી ગુજરાત સરકાર જાહેર સ્થળો ઉપરથી રાષ્ટ્રધ્વજ ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા ઊભી કરશે. આ ઉપરાંત જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે આગામી 13 થી 15 ઓગસ્ટ દરમિયાન આ કાર્યક્રમ યોજાશે જે અંતર્ગત જેમ પોર્ટલ ઉપરથી 50 લાખ તિરંગાની ખરીદી કરવાનો નિર્ણય પણ કેબિનેટ બેઠકમાં લેવાયો હોવાનું જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું