કાલથી મંગળવાર સુધી તાપમાન વધશે: બુધથી શુક્રવારમાં કયાંક છાંટાછુટી થશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-05-2022

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કેટલાંક દિવસોથી કાળઝાળ ગરમીમાં આંશિક રાહત મળ્યા બાદ કાલથી ફરિ વખત તાપમાન ઉંચકાશે. મંગળવાર સુધી ઉંચુ તાપમાન રહેશે. બુધ થી શુક્રવારમાં મામુલી ઘટાડો થવા ઉપરાંત કયાંક છાંટાછુટી થવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.

તેઓએ આજે વાતચીતમાં કહ્યું હતું કે ત્રણ ચાર દિવસથી રાજયમાં ગરમીમાં રાહત હતી. તાપમાનનો પારો અગાઉ 42 થી 44 ડીગ્રીની રેન્જમાં હતો તે ઘટીને 40 થી 42 ડીગ્રીની રેન્જમાં આવી ગયો હતો. અમદાવાદનું મહતમ તાપમાન 41.6 ડીગ્રી, અમરેલીનું 40.6 ડીગ્રી, ભુજનું 40.4 ડીગ્રી તથા રાજકોટનું 41.3 ડીગ્રી થયુ હતું.

તા.6થી13 મે ના સમયગાળાની આગાહી કરતા તેઓએ કહ્યું હતું કે, આવતીકાલથી તાપમાન વધશે અને 8થી10 મે દરમ્યાન બે ડીગ્રીનો વધારો થવા સાથે 42થી44 ડીગ્રીની રેન્જમાં આવી જવાની શકયતા છે. 10મીથી મામુલી ઘટાડો થશે અને 13મી સુધી 41થી43 ડીગ્રીની રેન્જમાં રહેશે. આ દરમ્યાન 10મી સુધી પવન પશ્ર્ચીમના રહેશે અને ત્યારબાદ દક્ષિણ પશ્ચિમના થશે.

10થી13 મે દરમ્યાન આકાશમાં છુટાછવાયા વાદળો પણ જોવા મળશે. આ સમયગાળામાં 3.1 કિલોમીટરના લેવલે અપર એર સાયકલોનીક સરકયુલેશન પણ સર્જાશે જે પ્રારંભીક તબકકે દક્ષિણ રાજસ્થાન તથા તેને લાગુ ગુજરાત પર રહેશે અને ત્યારબાદ ગુજરાત પર છવાશે તેની અસર હેઠળ 11થી13 મે દરમ્યાન અમુક સ્થળોએ સામાન્ય છાંટાછુટી થવાની શકયતા છે.

બીજી તરફ આજે બંગાળની ખાડીમાં લો-પ્રેસર સર્જાયુ છે. દક્ષિણ આંદામાનના દરિયાને લાગુ બંગાળની ખાડીની આ લો-પ્રેસર સીસ્ટમ આવતા બે દિવસમાં મજબૂત બનીને ડિપ્રેસનમાં ફેરવાશે અને ત્યારબાદ વાવાઝોડામાં પરિવર્તિત થવાની શકયતા છે. આ સીસ્ટમ મુખ્યત્વે ઉતરપશ્ચિમની દિશામાં અર્થાત આંધ્રપ્રદેશ-ઓડીશાના દરિયાકિનારા તરફ આગળ વધશે.

આ સીસ્ટમ દરિયાની નજીક પહોંચ્યા બાદ ટ્રેક અનિશ્ચિત રહે તેમ છે તે વિશે એકાદ દિવસમાં અપડેટ હશે. સીસ્ટમ આધારીત વાતાવરણ કરવટ બદલે તેમ હોવાથી હવામાનખાતાની સૂચનાને અનુસરવા તેઓએ ચોખવટ કરી હતી.