જૂન મહિનામાં વેક્સિનની કમી નહિ રહે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.30-05-2021

દેશમાં કોરોના વેક્સીનની અછત વચ્ચે મોટી રાહત આપતા સમાચાર આવ્યા છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ)એ જૂનમાં કોવિશીલ્ડ વેક્સીનના 9થી 10 કરોડ ડોઝના પ્રોડક્શન અને સપ્લાયનો દાવો કર્યો છે. આ અંગે તેણે સરકારને જાણ કરી છે. ઘણા રાજ્ય કોવિડ-19 વેક્સીનની અછતની ફરિયાદ કરતા રહ્યા છે. એવામાં સીરમ ઈન્સ્ટિટ્યૂટનું આ આશ્વાસન કેન્દ્ર સરકારને મોટી રાહત આપશે. સત્તાવાર સૂત્રોએ રવિવારે આ જાણકારી આપી.

તાજેતરમાં જ ગૃહ મંત્રી અમિત શાહને એસઆઈઆઈએ એક પત્ર મોકલ્યો હતો. તેમાં તેમણે કહ્યું હતું કે, મહામારીના કારણે ઊભા થયેલા પડકારો છતાં તેના કર્મચારી 24 કલાક કામ કરી રહ્યા છે.

એસઆઈઆઈમાં સરકારી અને નિયામક મામલાના ડાયરેક્ટર પ્રકાશ કુમાર સિંહે પત્રમાં કહ્યું કે, ‘અમને એ જણાવતા પ્રસન્નતા છે કે અમે જૂન મહિનામાં કોવિશીલ્ડ વેક્સીનના 9થી 10 કરોડ ડોઝનું ઉત્પાદન અને આપૂર્તિ કરવામાં સક્ષમ હોઈશું. તે મેમાં અમારી ઉત્પાદન ક્ષમતા 6.5 કરોડ ડોઝની સરખામણીમાં વધારે છે.’

તેમણે કહ્યું કે, ‘અમે તમને ખાતરી આપીએ છીએ કે, ભારત સરકારના સમર્થન અને તમારા માર્ગદર્શનમાં અમે આવનારા મહિનામાં પણ વેક્સીનની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે અમારા સંશાધનોનો સર્વોત્તમ ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.’

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો