ભારતમાં ઑક્સિજનનું ઉત્પાદન અત્યારે પણ માંગ કરતા વધારે, તો કેમ પડી રહી છે તંગી?

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22-04-2021

કોરોના કાળમાં દેશમાં ઑક્સિજન માટે દર્દીઓએ વલખાં મારવા પડી રહ્યા છે. દર્દીઓના પરિવારજનો ઑક્સિજન માટે અહીં-તહીં ભટકી રહ્યા છે. સરકારે હૉસ્પિટલોમાં ઑક્સિજન સપ્લાય વધારવા માટે ઉદ્યોગોને ઑક્સિજન આપવા પર રોક લગાવી દીધી છે, જે અંતર્ગત હવે ફક્ત 9 જરૂરી ઇન્ડસ્ટ્રીને જ ઑક્સિજન સપ્લાય મળી રહ્યો છે. રિલાયન્સ, ટાટા સ્ટીલ, સેલ, જિંદલ સ્ટીલે કોવિડ માટે ઑક્સિજનનો સપ્લાય શરૂ કરી દીધો છે.

ખાતર બનાવનારી સહકારી સમિતિ IFFCO ઑક્સિજનના પ્લાન્ટ લગાવી રહી છે, જ્યાંથી હૉસ્પિટલોને મફતમાં ઑક્સિજનનો સપ્લાય થશે. સાથે જ જરૂરિયાત પૂર્ણ કરવા માટે 50,000 મેટ્રિક ટન મેડિકલ ઑક્સિજન આયાત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાથી પહેલા લિક્વિડ મેડિકલ ઑક્સિજન એટલે કે LMOની માંગ સરેરાશ 700 મેટ્રિક ટન પ્રતિદિવસ હતી. કોરોનાની પહેલી લહેરમાં આ માંગ 2800 મેટ્રિક ટન પ્રતિદિવસ થઈ ગઈ છે અને બીજી લહેરમાં 5 હજાર મેટ્રિક ટન સુધી પહોંચી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે સંપૂર્ણ ક્ષમતા પર ભારતનું રોજનું ઑક્સિજન ઉત્પાદન તેની સપ્લાયથી ઘણું વધારે છે. 12 એપ્રિલના આંકડા પ્રમાણે દેશમાં રોજની ઉત્પાદન ક્ષમતા 7287 મેટ્રિક છે અને રોજનો વપરાશ 3842 મેટ્રિક ટન. તો સમસ્યા ક્યાં છે? દેશમાં મેડિકલ અને ઇન્ડસ્ટ્રિયલ ઑક્સિજનનો વર્તમાન સ્ટોક 50 હજાર મેટ્રિક ટન છે. ઇન્ડસ્ટ્રિયલ ઑક્સિજનને મેડિકલ ગ્રેડમાં પરિવર્તિત કરવામાં 93 ટકા સુધી શુદ્ધ કરવાનું રહે છે, પરંતુ ખરી મુશ્કેલી છે ઑક્સિજનને નિર્ધારિત હૉસ્પિટલો સુધી પહોંચાડવાની.

લિક્વિડ ઑક્સિજનને ટ્રાન્સપોર્ટ કરવા માટે એટલી સંખ્યામાં ક્રાયોજેનિક ટેન્કર ઉપલબ્ધ નથી. સંક્રમણ વધારે છે અને એક સાથે અનેક હૉસ્પિટલોમાં ઑક્સિજનની તંગી છે. અત્યારે દેશમાં સિલેન્ડર અને તેની સાથે ઉપયોગ માટે લાગતા સાધનોની તંગી છે. આ અભાવના કારણે અનેક હૉસ્પિટલોમાં ઑક્સિજન નથી મળી શકી રહ્યું.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો