C-Vigil એપ થકી નાગરિકોની ૨૪ જેટલી ફરિયાદોનું હકારાત્મક નિકાલ કરાયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.23-11-2022

મોરબી જિલ્લામાં હાલ વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચારસંહિતાનો અમલ કરવામાં આવી રહ્યો છે. જો કોઈ નાગરિકને આચારસંહિતાનો ભંગ થતો જણાય તો ચૂંટણી તંત્રનું ધ્યાન દોરવા માટે અલાયદી વ્યવ્સ્થા ઉભી કરવામાં આવી છે.

હાલ વિવિધ વિસ્તારોમાં થતા આચારસંહિતાના ઉલ્લંઘન અંગે નાગરિકો C-Vigil એપ પર ફરિયાદો કરીને ચૂંટણી તંત્રનું ધ્યાન દોરી રહ્યા છે. મોરબી જિલ્લામાં આદર્શ આચારસંહિતા ભંગની ફરિયાદોના નિકાલ માટે ફરિયાદ નિવારણ સેલ કાર્યરત કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આચારસંહિતાના ઉલ્લંઘન કે ભંગ અંગે નાગરિકો ફરિયાદ કરી શકે તે માટે ફરિયાદ નિવારણ સેલ અંતર્ગત ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧૮૦૦ ૨૩૩ ૦૪૨૨ શરૂ કરવામાં આવ્યો છે.

C-Vigil મોબાઈલ એપ પર નોંધાયેલી ૨૪ ફરિયાદો અને ફરિયાદ નિવારણ સેલ અંતર્ગત ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧૮૦૦ ૨૩૩ ૦૪૨૨ પર નોંધાયેલી ૪ ફરિયાદ મળી મોરબીના ત્રણેય વિધાનસભા મત વિસ્તારોમાંથી આવેલી કુલ ૨૮ જેટલી ફરિયાદોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે.

મોરબી કલેકટર કચેરી ખાતે કાર્યરત ફરિયાદ નિવારણ સેલમાં C-Vigil એપના માધ્યમથી અત્યાર સુધીમાં ૨૪ જેટલી ફરિયાદો નોંધાઈ છે. આ ફરિયાદોમાં ૧૭ ફરિયાદો ૬૫-મોરબી મતવિસ્તારમાં, ૫ ફરિયાદો ૬૬-ટંકારા મતવિસ્તારમાં અને ૨ ફરિયાદ ૬૭-વાંકાનેર મતવિસ્તારમાં નોંધાઈ છે. આમ, કુલ ૨૪ ફરિયાદો નોંધાઇ હતી જેમના પર ત્વરિત કાર્યવાહી કરીને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ બન્ને ફરિયાદ નિવારણના માધ્યમ થકી સામાન્ય પ્રકારની ફરિયાદો નોંધાઈ છે અને ગંભીર પ્રકારની કોઈ ફરિયાદ નોંધાઈ નથી.