જામનગરમાં કોરોનાએ ચિંતા વધારી : ર૪ કલાકમાં ર૬નો ભોગ: ઉદ્યોગનગરમાં ટેસ્ટિંગ કીટ જ નથી!!

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.10-04-2021

(મલકેશ બુધ્ધભટ્ટી), જામનગરમાં સતત વધતા કોરોના સંક્રમણે ચિંતા વધારી છે, તો મૃત્યુદર પણ ખૂબ જ ઊંચો જળવાતા દર્દીઓમાં પણ ગભરાટ જોવા મળે છે. છેલ્લા ર૪ કલાકમાં બે ડઝનથી વધુ દર્દીઓના મૃત્યુ થયા છે, તો ગઈકાલે રર૧ પોઝિટિવ કેસ નોંધાયા હતાં.

જામનગરની જી.જી. કોવિડ હોસ્પિટલમાં છેલ્લા ર૪ કલાકમાં ર૬ દર્દીઓના મૃત્યુ થયા છે, જ્યારે ગઈકાલે રર૧ લોકો કોરોનાગ્રસ્ત બન્યા હતાં. જેમાં શહેરી વિસ્તારના ૧ર૩ અને ગ્રામ્ય વિસ્તારના ૯૮ કેસનો સમાવેશ થાય છે, જ્યારે રિકવરી રેઈટ પણ ઊંચો જળવાયો હતો.

ગઈકાલે શહેરી વિસ્તારના પ૪ અને ગ્રામ્ય વિસ્તારના ૯૦ મળી કુલ ૧૪૪ દર્દીઓ કોરોનામુક્ત બન્યા હતાં, જો કે છેલ્લા ર૪ કલાકમાં માત્ર કોરોનાથી કોઈનું મૃત્યુ થયાનું સત્તાવાર જાહેર થયું નથી, પરંતુ કોવિડ વોર્ડમાં ર૬ ના મૃત્યુ થયા છે.

ગઈકાલે શહેરી વિસ્તારમાં ૩૦રર લોકોના કોરોનાલક્ષી ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતાં, જ્યારે ગ્રામ્ય વિસ્તારના ૧૯૩પ લોકો મળી જિલ્લામાં કુલ ૪૯પ૭ લોકોના કોરોનાલક્ષી પરીક્ષણ કરવામાં આવ્યા હતાં તેમાંથી જિલ્લાના કુલ ૩ર૧ લોકોના રિપોર્ટ પોઝિટિવ મળ્યા હતાં. આમ ગઈકાલ સાંજ સુધીમાં શહેરી વિસ્તારનો કુલ પોઝિટિવ આંક ૯૧૪૧ નો થયો હતો, જ્યારે ગ્રામ્ય વિસ્તારનો કુલ આંક ૩ર૬૦ નો થયો હતો. શહેર-જિલ્લામાં પરીક્ષણનું પ્રમાણ વધારવામાં આવ્યું છે. તેવામાં સંકર ટેકરી ઉદ્યોગનગર પાણાખાણ પાસે આવેલા રમેશ જોગલ હોલ આરોગ્ય કેન્દ્રમાં કોરોના ટેસ્ટિંગ કીટ જ ન હોવાની ફરિયાદ ઉઠી છે. (રિપોર્ટ : મલકેશ બુધ્ધભટ્ટી)

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો