બોગસ દસ્તાવેજો ભરી પ્રવેશ RTE હેઠળ પ્રવેશ લેનાર વાલી સામે થશે કાર્યવાહી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.26-06-2021

રાજ્યમાં રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ (Right to Education act) ગરીબ બાળકોના ખાનગી શાળામાં પ્રવેશ માટેની (school Admission) પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ત્યારે આગામી 20 દિવસમાં બાળકોના પ્રવેશની તમામ પ્રક્રિયા આટોપી લેવાની તૈયારી રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ (State Primary Education Department) દ્વારા ચાલી રહી છે. જોકે આ તમામ પ્રક્રિયામાં ફોર્મ ચકાસણી મામલે અધિકારીઓએ કડકવલણ અપનાવ્યું છે. આ વખતે પણ પ્રવેશ પ્રક્રિયામાં કોઈ ગરબડી ન થાય તેને લઈ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જો બોગસ દસ્તાવેજોના આધારે પ્રવેશ મેળવનાર બાળકોના વાલીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે તેવી તાકીદ પણ અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે.

રાજ્યમાં RTE હેઠળ સરકાર દ્વારા વર્ષ 2012થી પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ગરીબ બાળકો પણ ખાનગી સ્કૂલમાં શિક્ષણ મેળવી શકે તે હેતુથી ખાનગી સ્કૂલના પ્રથમ વર્ષના 25 ટકા બેઠકો આરટીઈ હેઠળ ફાળવવામાં આવે છે. જે અંતર્ગત દર વર્ષે રાજ્ય ભરમાંથી લાખો વાલીઓ પ્રવેશ મેળવવા માટે અરજી કરે છે.

આમ તો દરવર્ષે ફેબ્રુઆરી માસમાં RTE માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય છે અને એપ્રિલ માસ સુધીમાં તમામ રાઉન્ડ સાથે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે   RTE પ્રવેશ પ્રક્રિયા મોડી હાથ ધરાઈ છે. આ વખતે 25 જૂનથી શરૂ થયેલી આ પ્રક્રિયા 15 જુલાઈ સુધીમાં પૂર્ણ કરી દેવા તંત્ર મક્કમ છે.

આગામી 6થી 10 જુલાઈ વચ્ચે ફોર્મની ચકાસણી કરવામાં આવશે. અમદાવાદના જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના અધિકારીઓ એ જણાવ્યું કે શહેર અને ગ્રામયમાં થઈ કુલ 1500થી વધુ  ખાનગી શાળાઓ છે.  RTE હેઠળ 14 હજારથી વધુ બેઠકો પર ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે.

જોકે ફોર્મની ચકાસણી દરમિયાન કે સ્કૂલમાં એડમીશન પ્રોસેસ દરમિયાન બોગસ દસ્તાવેજના આધારે કોઈ વાલીએ પ્રવેશ મેળવ્યો હશે તો તે વાલી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી તાકીદ પણ અધિકારીઓ દ્વારા કરાઇ છે.

મહત્વનું છે કે કોરોના ના કારણે RTE માટે પ્રવેશ મેળવવાની પ્રક્રિયા ઓનલાઇન કરાઈ છે.  વાલીઓને તમામ વિગતો ચોકસાઈ પૂર્વક ભરવા અનુરોધ કર્યો છે કારણ કે એક વાર ફોર્મ સબમિટ કર્યા બાદ બીજીવાર ભરી શકાતું નથી.

તો વળી છેલ્લા કેટલાક વર્ષોમાં બોગસ દસ્તાવેજોના આધારે RTEમાં પ્રવેશ લેવાતો હોવાનું શાળાના સંચાલકો તેમજ અધિકારીઓ ના ધ્યાને આવ્યુ છે. જેને લઈ આ વખતે પ્રવેશ માટે ફોર્મ તપાસ પ્રક્રિયામાં પણ વધુ સતર્કતા દાખવવામાં આવી રહી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો