રાજકોટમાં કાલે રવિવારે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન: સાંજે કોર કમીટીની બેઠક

રૂપાલાની ટીકીટ રદ કરવાની માંગ સાથે ભાજપ પર દબાણ વધારવાનો વ્યૂહ

1400 બસ, 4600થી વધુ ફોર વ્હીલ તથા અન્ય વાહનો મારફત લાખોની સંખ્યામાં હાજરી થવાનો દાવો: સમગ્ર ગુજરાત ઉપરાંત બીજા રાજ્યોમાંથી પણ ક્ષત્રિયો ઉમટશે:ટ્રાફિકથી માંડીને કોઇપણ પ્રકારનો કાયદાભંગ ન થાય તેની તકેદારી રખાશે: મહાસંમેલનમાં આવતા અટકાવાય તો પણ સંયમ રાખવા-ઉશ્કેરાટ નહીં કરવા આગેવાનોનું આહવાન

વિવાદાસ્પદ વિધાનો બદલ રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોતમ રુપાલાની ટીકીટ રદ કરવાની માંગ સાથે આંદોલન કરી રહેલા ક્ષત્રિય સમાજનું આવતીકાલે રાજકોટના રતનપર ખાતે મહાસંમેલન યોજાવાનું છે ત્યારે તેની તૈયારી પુરજોશમાં હાથ ધરવામાં આવી છે.

લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા સહિતની પ્રક્રિયા શરુ થઇ ગઇ છે. ત્યારે ભાજપ નેતાગીરી પર નિર્ણાયક દબાણ લાવવા માટે રાજકોટમાં મહાસંમેલન રાખવામાં આવ્યું છે જે કાલે સાંજે રતનપર ખાતે યોજાશે. ક્ષત્રિય સમાજ સંકલન સમિતિના કન્વીનર રમજુભા જાડેજાએ કહ્યું હતું કે કાલના મહાસંમેલનની તૈયારી પૂરજોશમાં છે. કોર સમિતિના ઘણા ખરા સભ્યો રાજકોટ આવી જ ગયા છે અને તૈયારી માટે રાજકોટમાં જ મુકામ કરવામાં આવ્યો છે.

રતનપરના વિશાળ ગ્રાઉન્ડમાં યોજાનાર સંમેલન માટે ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિયો ઉપરાંત અન્ય સમાજ-સંગઠનોના લોકો ભાગ લેવાના છે. ગુજરાત સિવાયના રાજ્યોમાંથી પણ ક્ષત્રિય આગેવાનો-લોકો આવવાના છે ત્યારે લોકોની હાજરીની સંખ્યા લાખોમાં રહેશે. ભૂતકાળમાં ક્યારેય ન થયું હોય એટલું વિરાટ મહાસંમેલન હશે તેમાં ભાગ લેવા માટે 1400 જેટલી બસ તથા 4600થી વધુ કાર-ફોર વ્હીલમાં લોકો આવશે.

ક્ષત્રિય સમાજ વિસેના વિવાદાસ્પદ વિધાનો હોવાથી સ્વમાનને ઠેસ પહોંચી છે અને સમગ્ર સમાજનો મુદ્ો હોવાથી પરસોતમ રૂપાલાને માફી આપવાનો કોઇ પ્રશ્ર્ન ઉભો થતો ન હોવાનો પુર્નોચ્ચાર કરતા તેઓએ કહ્યું કે રૂપાલાની ટીકીટ રદ થાય તે જ સમાજની લાગણી અને માગણી છે. બાકી વડાપ્રધાન મોદી, ભાજપ કે પાટીદાર સમાજ સામે કોઇ વાંધો-વિરોધ નથી. જો કે, રૂપાલાને હટાવવાની માંગ ભાજપ  ન સ્વીકારે તો માત્ર રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને દેશભરમાં રાજકીય પ્રત્યાઘાતો પડશે. ક્ષત્રિય સમાજ ભાજપની પડખે નહીં રહે અને વિરુધ્ધમાં મતદાન કરશે.

ક્ષત્રિય આગેવાનોના કહેવા પ્રમાણે આ સમાજના સ્વમાનની લડાઇ છે. આવતીકાલના મહાસંમેલનમાં રુપાલાની ટીકીટ રદ કરવાની માંગણી સિવાયનો કોઇ એજન્ડા નથી. મહાસભામાં સંપૂર્ણપણે શિસ્તનો પરિચય કરાવવામાં આવશે. ટ્રાફિકથી માંડીને અન્ય કોઇપણ રીતે કાયદાનો ભંગ ન થાય તેની ખાસ તકેદારી રાખવાની સુચના આપવામાં આવી છે. મહાસંમેલનમાં આવતા અટકાવવાનો પ્રયાસ થાય તો પણ સંયમ રાખવા-ઉશ્કેરાટ નહીં રાખવા કહેવામાં આવ્યું છે. પોલીસ સહિત તમામ સરકારી વિભાગોના સહયોગ સાથે જ કાર્યક્રમ થશે અને સંઘર્ષને કોઇ અવકાશ નથી.

દરમ્યાન કાલના કાર્યક્રમ પૂર્વે ક્ષત્રિય સમાજની કોર કમિટી બે બેઠક  યોજશે, આજે સાંજે તથા આવતીકાલે સવારે મીટીંગ થશે તેમાં ભાવિ રણનીતિ ઘડાશે. અગાઉ રાજકોટમાં યોજાયેલી બેઠકમાં તા.12 એપ્રિલ સુધીના કાર્યક્રમો નક્કી થયા હતા. હજુ રુપાલાની ટીકીટ રદ થઇ નથી ત્યારે આગળની રણનીતિ ઘડાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રુપાલાને હટાવવાની માંગ સાથે બે સપ્તાહ કરતા વધુ સમય ચાલતું ક્ષત્રિય સમાજનું આંદોલન ઉગ્ર બની રહ્યું છે. છેલ્લા કેટલાંક દિવસોથી ભાજપની સભાઓમાં હોબાળો-કાળા વાવટા ફરકાવવા સહિતના ઘટનાક્રમો સર્જાઇ રહ્યા છે.