માલદિવ્સમાં શૂટિંગ નહીં કરવા સિને વર્કર્સ ફેડરેશનનું એલાન

ભારતીય સિને જગતના કલાકાર કસબીઓનાં સૌથી મોટાં સંગઠન મનાતાં ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ એસોસિએશને ફિલ્મ નિર્માતાઓને માલદિવમાં શૂટિંગ નહીં કરવા જણાવ્યું છે.

ફેડરેશને જણાવ્યું છે કે માલદિવના ત્રણ પ્રધાનોએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અપમાન કર્યા બાદ દેશભરમાં માલદિવના શાસકો સામે રોષ ફેલાયો છે અને અનેક પ્રવાસીઓ તેમની માલદિવની ટૂર કેન્સલ કરી રહ્યા છે. આ સમયે ફિલ્મ ઉદ્યોગે પણ સમગ્ર દેશની પડખે રહેવું જોઈએ. ફેડરેશને જણાવ્યું છે કે નિર્માતાઓએ માલદિવમાં કોઈ શૂટિંગ ગોઠવવા જોઈએ નહીં. ફેડરેશને માલદિવના શૂટિંગ લોકેશન્સનો સ્પષ્ટ બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે. તેને બદલે ભારતના જ બીજાં લોકેશન પસંદ કરવા જણાવાયું છે.આ અગાઉ, બોલીવૂડના સંખ્યાબંધ કલાકારો પણ માલદિવને તેમના પ્રવાસ આયોજનમાંથી બાકાત રાખવાની ઘોષણા કરી ચૂક્યા છે.