ચમત્કારને નમસ્કાર! માલદિવ્સના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાત માટે આતુર

સમાંતર ડિપ્લોમેટીક ચેનલ મારફત વિદેશ મંત્રાલયને સંદેશો પાઠવ્યો: ચીનમાં રહેલા રાષ્ટ્રપતિ એ ડેમેજ કંટ્રોલના મુડમાં: જો કે ભારત હજુ ‘મચક’ નહી આપે

ભારત આપણું કાયમી મિત્ર- મદદગાર રહ્યું છે આપણે તેના આભારી: માલદિવ્સ ટુરીઝમ એસો.એ પણ દેશના મંત્રીઓને વખોડયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લક્ષદ્વીપ પ્રવાસ અને તેના દ્વારા અપાયેલા સંદેશના માલદીવના ત્રણ મંત્રીઓએ આપેલા અભદ્ર જવાબ બાદ હવે ભારતમાં એક તરફ બોયકોટ-માલદીવ્સ ટ્રેન્ડ વધી રહ્યો છે અને ખુદ માલદીવ્સના ટુરીઝમના ઉદ્યોગોએ પણ સરકારના ત્રણ મંત્રીઓએ કરેલી હરકત સામે આક્રોશ દર્શાવ્યો છે તેમાં હવે માલદીવ્સ સરકાર ડેમેજ કંટ્રોલમાં છે.

એક તરફ નવી દિલ્હી ખાતેના માલદીવ્સના રાજદૂત ઈબ્રાહીમ સાહીબે સમગ્ર ઘટના પર માલદીવ સરકારની ચિંતા દર્શાવવાની સાથે તેમના ત્રણ પુર્વ મંત્રીઓના વિધાનો સાથે સરકાર સંમત નથી તેવી સ્પષ્ટતા કરીને ભારતનો ગુસ્સો શાંત પાડવાની કોશિશ કરી છે તો બીજી તરફ હાલ ચીનની મુલાકાતે ગયેલા માલદીવના વડાપ્રધાન મોહમ્મદ મુઈજજુએ હવે ભારતની મુલાકાત લેવાની ઈચ્છા દર્શાવી છે.

સમાંતર ડિપ્લોમેટીક ચેનલ મારફત તેઓ આગામી સમયમાં ભારત આવીને તનાવ દુર કરવાની તૈયારી દર્શાવી છે. ચીન તરફી ગણાતા માલદીવના રાષ્ટ્રપતિ એ જો કે હજુ સુધી આ ઘટના પર સીધો પ્રતિભાવ આપ્યો નથી પણ તેના ત્રણ મંત્રીઓ જેઓએ વડાપ્રધાન અંગે અણછાજતા વિધાનો કર્યા હતા તેઓને સસ્પેન્ડ કરી સરકાર તેમની સાથે નથી તે નિશ્ચિત કરવા પ્રયાસ કર્યા છે.

બીજી તરફ માલદીવ્સ એસોસીએશન ઓફ ટુરીઝમ ઈન્ડસ્ટ્રીઝ એ સસ્પેન્ડેડ નાયબ મંત્રી સહિતના ત્રણ મંત્રીઓએ કરેલા વિધાનોની આકરી ટીકા કરતા એક નિવેદનમાં જણાવ્યું કે ભારત એ માલદિવ્સનું સૌથી નજીકનું અને ભરોસાપાત્ર સાથી રહ્યા છે.

દરેક કટોકટી સમયે ભારત સૌ પ્રથમ દેશની મદદે પહોંચ્યું છે અને પછી આપણે કાયમ માટે ભારતની સરકાર અને આ દેશના લોકો પ્રત્યે આભારી છીએ. કોવિડકાળ બાદ પણ માલદીવ્સના ટુરીઝમને વેગ આપવામાં ભારતનો સાથ મહત્વપૂર્ણ રહ્યો છે.