મોરબીવાસીઓ માટે ડિજિટલ માધ્યમ થકી “મારી માટી, મારો દેશ” મહાઅભિયાનમાં જોડાવવાનો અમૂલ્ય અવસર

વેબસાઈટ પર જઈ પંચ પ્રણ પ્રતિજ્ઞા લો, સેલ્ફી અપલોડ કરો અને ડાઉનલોડ કરો ડિજિટલ સર્ટિફિકેટ

ઘરે બેઠા માત્ર ૪ સ્ટેપ અનુસરીને મહાઅભિયાનમાં જોડાઈ, આજે જ તમારી ભાગીદારી નોંધાવી અમૃતમય ઉજવણીમાં સહભાગી બનો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.10-08-2023

દેશભરમાં વર્ષ દરમ્યાન ‘‘આઝાદીના અમૃત મહોત્સવ’’ની અમૃતમય ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, આ ઉજવણીની પૂર્ણાહુતિને ભવ્યાતિભવ્ય બનાવવા જનભાગીદારી થકી દેશમાં સાર્વત્રિક અનેકવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. દેશનાં વીર સપૂતોને વીરાંજલિ અર્પણ કરવાના ઉદ્દેશ્ય સહ સરકાર દ્વારા “મારી માટી, મારો દેશ” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ હેઠળ દેશના અનેક વીરો – મહાપુરુષો કે જેઓએ આઝાદીની લડતમાં મહત્વની ભૂમિકા ભજવી દેશ માટે શહીદી વહોરી હતી, તેમને શત શત વંદન કરવા વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે.

દેશનાં વીરોને સમર્પિત “મારી માટી, મારો દેશ” મહાઅભિયાનમાં ડિજિટલ માધ્યમ થકી મોરબીવાસી પણ  ભાગીદારી સુનિશ્ચિત કરી શકે છે. ડીજીટલ યુગમાં લોકોને ડિજિટલ પ્લેટફોર્મ પર ઘરે બેઠા જોડાવા માટે સરકારશ્રી દ્વારા https://merimaatimeradesh.gov.in/ વેબસાઈટ વિકસાવવામાં આવી છે. આ વેબસાઈટ ઉપર જતા “પ્રતિજ્ઞા લો”નું બટન દેખાશે. તેના પર ક્લિક કર્યા બાદ નામ, મોબાઈલ નંબર, રાજ્ય, જિલ્લા સહિતની વિગતો ઉમેર્યા બાદ “પંચ પ્રણ” પ્રતિજ્ઞાનું વાંચન કર્યા બાદ “સબમિટ” બટન પણ ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ વૃક્ષારોપણ, માટી, દીવો, રાષ્ટ્રધ્વજ સાથેનો કોઈપણ ફોટોગ્રાફ્સ અપલોડ કર્યા બાદ તમારા નામ સાથેનું “સર્ટિફિકેટ” ડાઉનલોડ કરી શકશો. આમ જુદા જુદા માત્ર ૪ સ્ટેપ અનુસરીને ઘરે બેઠા આ મહાઅભિયાનમાં જોડાઈ આજે જ તમારી ભાગીદારી નોંધાવી અમૃતમય ઉજવણીમાં સહભાગી બની શકાશે.