ભર ઉનાળે ચોમાસું: 2 દિવસ ગુજરાતના આ જિલ્લાઓમાં છોતરા કાઢશે વરસાદ, નવી આગાહીથી ફફડાટ!

રાજ્યમાં હાલ ઉનાળો ચરમ પર છે. ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે. ઉનાળાની શરૂઆતમાં જ લોકો ગરમીથી રાહત મેળવવાના નુસખા અપનાવી રહ્યા છે પરંતુ, આ બધા વચ્ચે કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. જી હાં, રાજ્યના તમામ ઝોનમાં શુક્રવારે કમોસમી વરસાદ વરસ્યો છે.  જેના કારણે ઉનાળું પાકને પણ નુકસાન પહોંચ્યું છે. એટલું જ નહીં આગામી બે દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં શુક્રવારે કમોસમી વરસાદ પડ્યો. કમોસમી વરસાદના કારણે ભરઉનાળે શિયાળા જેવો માહોલ સર્જાયો. વડોદરા, સુરત, નવસારી, વાપી, દાહોદ અને ભાવનગર સહિતના શહેરોમાં કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં અચાનક પરિવર્તન આવ્યું હતું.. કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

કમોસમી વરસાદના કહેરના કારણે ક્યાંક બરબાદીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં માવઠું પડ્યું.. જેના કારણે સામાજિક પ્રસંગોમાં પણ વિઘ્ન આવ્યું હતું. વલસાડના ધરમપુરમાં લગ્ન પ્રસંગ ટાણે જ વરસાદ ખાબકતાં મંડપને મોટી માત્રામાં નુકસાન પહોંચ્યું હતું.. લગ્ન મંડપ ખરાબ થતાં લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. ન માત્ર સામાજિક પ્રસંગો પરંતુ, કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પણ નુકસાની સહન કરવાનો વારો આવી રહ્યો છે.

નવસારી જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ચીકુના પાકને નુકસાન પહોંચ્યું છે.. નવસારી, ગણદેવી, ચીખલી અને વાંસદા તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો હતો.. જેનાં કારણે કેરી અને ચીકુના પાકને નુકસાન થવાની સંભાવના ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.. કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણના કારણે ભેજ અને ગરમીનું પ્રમાણ પણ વધ્યું છે.. ભેજ બાદ વધતી ગરમીથી ઉનાળું પાકને નુકસાનીની આશંકા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

જોકે, ખેડૂતોની ચિંતાનો અહીંથી જ અંત નથી આવતો. આગામી બે દિવસમાં હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ઈન્ડ્યુઝ્ડ સાયક્લોનિકસ સર્ક્યુલેશનના કારણે વરસાદ આવતો હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. જેના કારણે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગે જાહેર કરેલા મેપ પ્રમાણે 24 કલાકમાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે છૂટાછવાયો વરસાદ થવાની આગાહી છે. આ સાથે કચ્છ, જામનગર અને દ્વારકામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્ય માટે ચિંતાની વાત એ છેકે, હજુ ઉનાળો શરૂ થયો છે.. એવામાં ત્રણથી વધુ વખત રાજ્યમાં કમોસમી વરસાદ પડી ચૂક્યો છે ત્યારે આગામી દિવસોમાં ખેડૂતોની મુશ્કેલીમાં જરૂરથી વધારો થશે.