મોરબી પુલ દુર્ઘટનાની તપાસમાં આવતા સપ્તાહે કડાકા ભડાકા

નગરપાલિકા સુપરસીડ થવાના પણ ભણકારા : મુખ્ય આરોપીઓ ફરતે સકંજો : સરકારની રચના બાદ ધડાધડ પગલાની તૈયારી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.09-12-2022

મોરબીના ઝુલતા પુલની દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકોના ભોગ લેવાયા હતા. ખુદ વડાપ્રધાન મોરબી આવ્યા હતા અને હજુ સુધી કોઇ નકકર પગલા લેવાયા નથી ત્યારે હવે ચૂંટણી પૂરી થઇ જતા આવતા સપ્તાહે કડક પગલાના કડાકા ભડાકા થાય તેવું લાગી રહ્યું છે. રવિવારે નવી સરકાર પદ ગ્રહણ કરી લે તે બાદ પાલિકા સુપરસીડ થાય અને મુખ્ય આરોપીઓ સકંજામાં લેવામાં આવે તેવી શકયતા વ્યકત થઇ છે.

મોરબીની આ કરૂણ પુલ દુર્ઘટનાના પડઘા પૂરા દેશમાં પડયા હતા. વિદેશમાં પણ આ ઘટના ચર્ચાસ્પદ બની હતી. આ બનાવ સમયે ગુજરાત રહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી મોરબી આવ્યા હતા અને દુર્ઘટના સ્થળ તથા હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી. આ ઘટનામાં જવાબદાર કોઇને છોડવામાં નહીં આવે તેવું જાહેર કર્યુ હતું. પરંતુ નકકર પગલા લેવાતા ન હોવાની છાપ હતી. તેવામાં ચૂંટણી જાહેર થતા સરકારી કાર્યવાહી અટકી ગઇ હતી. દરમ્યાન નગરપાલિકા અને ઓરેવા કંપની વચ્ચે કરારની કાયદેસરતા, ચીફ ઓફિસરના વલણ, ઓરેવા કંપનીના માલિકો ભાગી જવા સહિતનો ઘટનાક્રમ હજુ જેમનો તેમ સવાલોમાં ઘેરાયેલો છે.

આથી હવે આવતા સપ્તાહે નગરપાલિકા સામે આકરી કાર્યવાહી થાય તેવા સંકેત છે. નગરપાલિકા સુપરસીડ પણ થઇ શકે છે. ભાજપના તમામ સભ્યો ઘરભેગા કરવાનું પગલુ પણ આવી શકે છે. બીજી તરફ આ ઘટનામાં હજુ ઘણા મુખ્ય જવાબદારો પકડાયા નથી. આથી મુખ્ય આરોપીઓને પણ સરકાર સકંજામાં લે તેવી શકયતા છે. મોરબીમાં ભાજપ તોતીંગ લીડ સાથે ચૂંટાયો છે ત્યારે હવે લોકલાગણીનો પડઘો પાડવાની જવાબદારી સરકાર નિભાવે તેમ છે.