આકરા ઉનાળાના સામનો કરી રહેલા ગુજરાતમાં હવે ત્રણ દિવસ વાતાવરણ અસ્થિર બનશે અને છુટાછવાયા ભાગોમાં વરસાદ કે વરસાદી ઝાપટા વરસવાની શકયતા વચ્ચે તાપમાનમાં મામુલી રાહત મળવાની સંભાવના પછી ગુરૂવારથી બે દિવસ ફરી હિટવેવની હાલત સર્જાવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલે કરી છે.

તેઓએ આજે વાતચીતમાં જણાવ્યું હતું કે, એકાદ દિવસથી રાજયના અમુક ભાગોમાં વરસાદ પડવા સાથે વાતાવરણ બદલાયાનું માલુમ પડયું છે રવિવારે આ મહતમ તાપમાન નોર્મલથી 1 ડિગ્રી ઉંચુ અથવા 1 ડિગ્રી નીચું રહ્યું હતું. રાજયમાં હાલ નોર્મલ તાપમાન 41 થી 4ર ડિગ્રી ગણાય છે. તેની સરખામણીએ અમદાવાદમાં 41.7 ડિગ્રી હતું જે નોર્મલ હતું.

જયારે રાજકોટમાં 41.5 ડિગ્રી હતું જે નોર્મલ કરતા એક ડિગ્રી વધુ હતું. ભુજનું તાપમાન 38.3 ડિગ્રી નોંધાયુ હતું જે નોર્મલ કરતા 1 ડિગ્રી નીચુ હતું ત્યારે સુરેન્દ્રનગરનું મહતમ તાપમાન 42 ડિગ્રી નોર્મલના સ્તરે રહ્યું હતું.
તા.13 થી 20 મેના સમયગાળાની આગાહી કરતા તેઓએ જણાવ્યું હતું કે, તા.15 મે અર્થાત બુધવાર સુધી તાપમાન નોર્મલની આસપાસ જ રહેવાની સંભાવના છે. જોકે આ દરમ્યાન વાતાવરણમાં અસ્થિરતા વધશે અને છુટાછવાયા વિસ્તારોમાં એકાદ બે દિવસ હળવા ઝાપટા કે વરસાદ થવાની સંભાવના છે.

સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાત સહિત રાજયના મોટા ભાગના વિસ્તારોમાં અસ્થિરતાનો માહોલ જોવા મળી શકે છે. તા.16 અને 17 અર્થાત ગુરૂ અને શુક્રવારે ફરી વખત તાપમાનનો પારો વધશે અને નોર્મલ કરતા ઉંચે પહોંચી જશે. મહતમ તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે અને કેટલાક સેન્ટરોમાં પારો 43 ડિગ્રીને પાર કરી જશે. 16-17 ઉપરાંત 20મી મેના રોજ તાપમાન વધુ રહેવાની સંભાવના છે.

આગાહીના સમયગાળા દરમ્યાન પવન મુખ્યત્વે પશ્ચિમ અને ઉતર પશ્ચિમમાં રહેશે. તા.15 મે સુધી પવનની ગતિ 15 થી 20 કિ.મી.ની રહેશે. જયારે સાંજથી જોર વધશે અને ઝાટકાના પવન રપ થી 3પ કિ.મી.ની ઝડપે ફુંકાશે. પવન ફરતા રહેશે. 15મી મે બાદ પવનની ગતિ 15 થી 20 કિ.મી. રહેશે પરંતુ ઝાટકાના પવનની ગતિ ઘટીને 20 થી 25 કિ.મી. થઇ જશે.



























































