હાઈકોર્ટે માંગેલી વિગતો એફીડેવિટમાં રજુ જ ન કરી મોરબી નગરપાલિકાને ઝુલતા પુલની સુરક્ષાને બદલે ટીકીટના ભાવ તથા કમાણીમાં વધુ રસ હતો: હાઈકોર્ટે ઉધડો લીધો

12મી ડિસેમ્બર સુધીમાં સંચાલન કરાર વિશે જવાબ રજુ કરવા નગરપાલિકા તથા રાજય સરકારને આદેશ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.25-11-2022

મોરબીમાં 135 લોકોનો ભોગ લેનારી ઝુલતા પુલ દુર્ઘટનાની સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે મોરબી નગરપાલિકાની આકરી ઝાટકણી કાઢી હતી. પુલની સુરક્ષા કરતા ટિકીટના ભાવ નકકી કરવામાં તથા કમાણી કરવામાં વધુ રસ લીધો હોવાની ટકોર કરી હતી.

અદાલતના આદેશ બાદ મોરબી નગરપાલિકાએ ઝુલતા પુલની જાળવણી, સંચાલન તથા આવક સંબંધી ઓરેવા કંપની સાથેના કરારની વિગતો સાથેનું સોગંદનામુ રજુ કર્યુ હતું પરંતુ અદાલતે 16 નવેમ્બરે જે વિગતો આપવા આદેશ કર્યો હતો તે પેશ કરવામાં આવી ન હતી.

હાઈકોર્ટે 29 ડિસેમ્બર 2021ના રોજ અજંતા કંપનીએ નગરપાલિકાના ચીફ ઓફીસરને પાઠવેલો પત્ર લક્ષ્યમાં લીધો હતો. આ પત્રમાં કંપનીએ લખ્યું હતું કે ઝુલતો પુલ ખરાબ હાલતમાં છે અને માત્ર કામચલાઉ રીપેરીંગ જ થઈ રહ્યું છે. ગમે ત્યારે કોઈ દુર્ઘટના સર્જાઈ શકે છે. આ મામલે અનેક વખત ધ્યાન દોર્યુ છે અને તેને ધ્યાને લેવા વિનંતી છે. પ્રત્યુતરમાં નગરપાલિકાએ સુરક્ષા પાસાનો કોઈ ઉલ્લેખ કર્યા વિના કંપનીને એમ કહી દીધું હતું કે ઝુલતા પુલનો કબ્જો પરત સોંપી દો અથવા ટિકીટના ભાવ નહીં વધારવાની વાતનો સ્વીકાર કરો.

આ પત્રના આધારે કોર્ટે એવી ટકોર કરી હતી કે નગરપાલિકાને માત્ર ટિકીટના ભાવ અને કમાણીમાં જ રસ હતા. સુરક્ષા પાસાને ગંભીર ગણવાને બદલે ભાવને પ્રાથમીકતા આપી હતી. 19 જાન્યુઆરી 2022ના આ પત્રમાં નગરપાલિકાએ કંપનીએ પુલની ખરાબ હાલતની ચેતવણીને લક્ષ્યમાં લીધી ન હતી.

અદાલતે નગરપાલિકા તથા કંપની બન્નેની ઝાટકણી કાઢતા એવી ટીપ્પણી કરીહતી કે રીપેરીંગને મહત્વ આપવાના બદલે પુલના કબ્જા માટે જ પ્રયાસો થયા હતા. 2017માં કરાર ખત્મ થઈ ગયા પછી પણ કંપનીને સંચાલન કેમ ચાલુ રખાયુ તે સવાલ પણ વારંવાર પુછયો હતો ત્યારે એવો જવાબ અપાયો હતો કે કોઈએ મંજુરી આપી ન હતી. રીપેરીંગ કામનું આઉટસોર્સિંગ કરવાના પણ અજંતાને અધિકાર ન હતા. પુલ નગરપાલિકા તથા જીલ્લા કલેકટરની સંપતિ છે અને 2008માં સંચાલનના કરાર થયાનું કહેવાતા હાઈકોર્ટે નગરપાલિકા તથા રાજય સરકાર બન્નેને 12મી ડિસેમ્બર સુધી જવાબ આપવા આદેશ કર્યો હતો.

► નગરપાલિકાને સુપરસીડ કરો; ચીફ ઓફીસર સામે પગલા લ્યો

કોઈ કાર્યવાહી ન થતા વડીઅદાલત નારાજ

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના વિશે હાઈકોર્ટે રાજય સરકાર તથા નગરપાલિકાની આકરી ઝાટકણી કાઢી જ હતી. સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમના રિપોર્ટના વાંકે નગરપાલિકાના ચીફ ઓફીસર એસ.વી.ઝાલા સામે કોઈ પગલા નહીં લેવાયા મામલે પણ નારાજગી દર્શાવી હતી.

અદાલતે એવી ટીપ્પણી કરી હતી કે ખાતાકીય પગલા સરકારના કાર્યક્ષેત્રમાં જ છે અને તેમાં તપાસ ટીમના રિપોર્ટની જરૂર નથી. તાત્કાલીક ગેરશિસ્તના પગલા લઈને આગામી સુનાવણીમાં તેનો રિપોર્ટ રજુ કરવાનો આદેશ કર્યો હતો.

ઝુલતા પુલ દુર્ઘટનામાં નગરપાલિકાની બેદરકારી પણ સામે આવી જ છે ત્યારે ગુજરાત મ્યુનીસીપાલીટી એકટના કલમ 263 હેઠળ મોરબી નગરપાલિકાને વિખેરી નાખવા અથવા સુપરસીડ કરવાનું પણ સૂચવ્યુ હતું.

રાજય સરકારે એવી દલીલ કરીહતી કે સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમના રીપોર્ટના આધારે પગલા લેવાનો ઈરાદો છે. તપાસ ટીમને એફએસએલ રીપોર્ટની પ્રતિક્ષા છે.