આજે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં પુષ્કળ વરસાદ, ક્યાંક ખુશી તો ક્યાંક નુકસાની

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.05-07-2022

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કરવામાં આવેલી વરસાદની આગાહીને પગલે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘમહેર થઈ રહી છે. અનેક વિસ્તારોમાં વરસાદથી ખેતરોમાં પાણી  ભરાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.પોરબંદર જિલ્લામાં આજે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. પોરબંદર તાલુકામાં દોઢ ઈંચ, રાણાવાવ અને કુતિયાણા તાલુકામાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સામાન્ય વરસાદ પડતાં પોરબંદર શહેરના સર્કિટ હાઉસ નજીક વરસાદી પાણી ભરાયા છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

દેવભૂમિ દ્વારકામાં મેઘરાજાનું દે ધનાધન

આ ઉપરાંત દેવભૂમિ દ્વારકામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ખંભાળીયાના પીપરીયા ગામે ધોધમાર વરસાદ પડયો હતો. જેને લઇને મુખ્ય રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકાના ભાટિયામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભાટિયામાં આશરે 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. મેઘમહેરને લઇને ભાટિયાની મુખ્ય બજારોના માર્ગો પર પાણી ફરી વળતાં વાહનચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.બીજી તરફ વરસાદી વાતાવારણ વચ્ચે દ્વારકામાં સુંદર નજારો સર્જાયો હતો. ગોમતીઘાટ કિનારાના ઝરણા જેવા નજારો સર્જાયો હતો. દ્વારકાના 56 સીડી તેમજ ગોમતીઘાટ કિનારે વરસાદી પાણી સમુદ્રમાં ભળ્યા હતા. ઉપરાંત ચૂર, વડતરા, સોનારડી, મેવાસા, આસોટામાં નદી નાળા છલકાયા હતા તથા કનકપર, ભાટિયા,  જુવાનગઢ, માળી વિસ્તારોમાં ચેક ડેમ ઓવરફ્લો થયા હતા.

વરસાદને પગલે રાજકોટનો રેશકોર્સ રીંગ બન્યો સ્વિમિંગ પુલ

પ્રથમ વરસાદે મોરબી શહેરમાં પ્રિ-મોન્સુનની કામગીરીની પોલ ખોલી નાખી હતી. પ્રથમ વરસાદમાં જ  શહેરના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા. મોરબીની સો ઓરડી, શોભેશ્વર રોડ, રવાપર રોડ, તખ્તસિંહજી રોડ, શનાળા રોડના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા અને રસ્તાઓ પર પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા. દાહોદ શહેર સહિતના વિસ્તારોમાં વરસાદ પડયો હતો. ગરબાડા, જેસાવાડા, લીમખેડા ઝાલોદ, લીમડી સહિતના ગ્રામ્ય વિસ્તારો અને શહેરના અનેક વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ ખાબક્યો હતો. રાજકોટ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો અને ધમાકેદાર 1 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો હતો. વરસાદથી ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાએ માથું ઊંચક્યું હતું. વરસાદને પગલે રેશકોર્સ રીંગ સ્વિમિંગ પુલ બન્યો હતો. વરસાદી પાણીમાં બાળકોએ ડૂબકી લગાવી વરસાદની મોજ માણી હતી અને રેશકોર્સ રીંગ રોડ પર પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા હતા. ઉપરાંત લોધિકા તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ શરૂ થયો હતો.  લોધિકાના વાજડી, મેટોડા, રાતૈયા, ચીભડાં ગામમાં વરસાદી માહોલને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

વરસાદથી કચ્છમાં દાડમની ખેતીમાં નુકસાની

સરહદી ક્ચ્છ જિલ્લાના દરિયાઈ વિસ્તારો માંડવી-મુન્દ્રા તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. વરસાદ બાદ માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નુકસાનનો તાગ મેળવવા અંગે વિટીવી ન્યૂઝના અહેવાલમાં તારાજીના અનેક દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. વિટીવી ન્યૂઝની ટીમે સૈપ્રથમ દુર્ગાપુર બાદ મેરાઉ ગામની મુલાકાત લીધી ત્યારે ભારે વરસાદ બાદ ગામમાં આવેલા વાડી વિસ્તારોમાં વ્યાપક નુકસાનના ભયાવહ દ્રશ્યો જોવા મળ્યા હતા.ગત મોડી રાતથી આજે વહેલી સવાર સુધી અંદાજીત 2 થી 3 ઇંચ વરસાદ પડતાં મેરાઉ ગામા જ્યાં જુઓ ત્યાં પાણી જ ભરાયેલા જોવા મળ્યા હતા. ત્યારબાદ મેરાઉ ગામમાં આવેલા દાડમના ખેતરની મુલાકાત લીધી ભારે વરસાદથી દાડમના ખેતર જળ મગ્ન જોવા મળ્યા હતા વધુમાં માંડવીના દુર્ગાપુરથી મેરાઉને જોડતા માર્ગમાં ગાબડું પડતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

વલસાડના ઉમરગામમાં 7.5 ઈંચ, પારડીમાં 5.5 ઈંચ વરસાદ

ભાવનગર શહેર અને મહુવા પંથકમા વરસાદે મન મુકીને હેત વરસાવ્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદને લઈને મહુવાના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતા અને નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ઘૂસતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ગઢડા શહેર સહિત પંથકમાં પણ મુશળધાર મેઘો વરસ્યો હતો.એક દિવસના વિરામ બાદ ગઢડા અને ગુંદાળા,રાણીયાલા,પાટણા પીપરડી સહિત ગામડાઓમાં વરસાદ પડયો હતો. વધુમાં બાબરાના મોટી કુંડળ, જામ બરવાળા, લીંબડીયા, બોટાદ જિલ્લાના ગઢડા, ઉમરાળા, ઢસા વિસ્તાર તથા વલસાડના ઉમરગામમાં 7.5 ઈંચ, પારડીમાં 5.5 ઈંચ અને કપરાડા, ધરમપુર, વલસાડ, વાપીમાં પણ સારો વરસાદ પડયો હતો.

જૂનાગઢની ઓઝત નદીમાં પૂર

જૂનાગઢમાં ભારે વરસાદથી સોનરખ નદીમાં ઘોડાપૂર આવ્યા હતા તો જોષીપરાના રેલવે અંડરબ્રિજમાં પણ પાણી ભરાયા હતા. જૂનાગઢ જિલ્લામાં વરસાદને લઇને નવાનીરને કારણે ઓઝતમાં પૂર આવ્યું હતું. વરસાદના કારણે ઓઝત નદીમાં ખડખડ વહેતા પાણી ડ્રોન કેમેરામાં કેદ થયા હતા.જૂનાગઢ દાતારના ડુંગર પર પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે ડુંગર પરથી પડતા ધોધ સક્રિય થતાં અદભૂત દ્રશ્યો સર્જાયા હતા. પાટણના કોલેજ રોડ પર આવેલ અંડરપાસ જોખમી બન્યો હતો. સામાન્ય વરસાદમાં જ અંડરપાસમાં પાણી ભરાયા હતા. એટલું જ નહિ અંડરપાસમાં ઝેરી સાપ ફરતો હોવાના વીડિયો આવ્યો સામે આવ્યો છે. તથા મુન્દ્રાના સમા ઘોઘામાં મોડી રાતથી ભારે વરસાદને લઈને અનેક વાહનો અટવાયાં હતા અને પાણી ભરાવાના કારણે ST બસ પણ થઇ બંધ મુસાફરોએ ધક્કા લગાવ્યા હતા.