નાગરિકોને આરોગ્ય-શિક્ષણ આપવા સરકાર મકકમ: CM

વવાણિયામાં પ્રવાસન વિભાગ દ્વારા 3 કરોડના ખર્ચે બનેલ નવનિર્મિત બિલ્ડિંગનું લોકાર્પણ કરતા ભૂપેન્દ્ર પટેલ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.17-05-2022

મોરબી જિલ્લાના માળીયા તાલુકાના વવાણિયા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આહિર સમાજ દ્વારા સંચાલિત માતૃશ્રી રામબાઇમાંની જગ્યામાં પ્રવાસન વિભાગ દ્વારા રૂ. 3 કરોડના ખર્ચે નિર્મિત થયેલા ભોજનાલય અને સભાખંડના અદ્યતન બિલ્ડીંગનું લોકાર્પણ કર્યું હતું. ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની આગેવાની હેઠળ સમગ્ર દેશ આગળ વધી રહ્યો છે ત્યારે દેશના વિકાસમાં ગુજરાત ગ્રોથ એન્જિન બન્યું છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ ના સુત્રને સાર્થક થઇ રહ્યું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ધર્મગુરૂૂ અને તેમની પ્રવૃત્તિઓ થકી આપણને પ્રેરણા મળતી હોય છે. સૌરાષ્ટ્ર એ સંતો- સૂરા અને દાતાની ભૂમિ છે. સમાજનો દરેક વર્ગ આગળ આવે, વિકાસ થાય તે માટે રાજય સરકાર તમામ સહકાર આપશે. રાજય સરકાર પાણી, રસ્તા, આરોગ્ય, શિક્ષણ, રરસીકરણ સહિતના કાર્યો થકી સતત આગળ વધી રહી છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ગૌ સેવા પોષણ યોજના અંતર્ગત ગૌશાળા માટે રાજય સરકારે 500 કરોડ ફાળવીને ગૌશાળાઓ વધુ સમૃદ્ધ બનવવાનું આયોજન કર્યું છે. વધુમાં મુખ્યમંત્રીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા માટે રાજ્ય સરકાર તમામ ક્ષેત્રે સાથ આપી રહી હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ અહીંના માળીયા વિસ્તારમાં પીવા અને સિંચાઇના પાણી માટે પણ રાજય સરકારે વ્યવસ્થા

કરી છે. આ પ્રસંગે શ્રમ અને રોજગાર પંચાયત રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં જણાવ્યું હતું કે માળીયા વિસ્તારમાં સિંચાઇના પાણી માટેની વ્યવસ્થાને મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમ અને પૂર્વમંત્રી અને ધારાસભ્ય વાસણભાઇ આહિરે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. સ્વાગત પ્રવચન દરમિયાન પૂર્વમંત્રી અને ગુજરાત આહિર સમાજના પ્રમુખ જવાહરભાઇ ચાવડાએ ગુજરાતમાં આહિર સમાજનો ગૌરવશાળી ઇતિહાસનું વર્ણન કર્યું હતું. આ પ્રસંગે શ્રીમદ્ રાજચંદ્ર ભૂવન ટ્રસ્ટ અને રામબાઇ જગ્યાના પ્રમુખ, ટ્રસ્ટીઓ તેમજ આગેવાનો દ્વારા મુખ્યમંત્રીનું સન્માન કરવામાં આવેલ હતું.

ઢગલાબંધ વિકાસ કામોનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રી દ્વારા માળીયા તાલુકાના વવાણીયા ખાતે રૂ. 80 લાખના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મકાન, માળિયા (મીં) ખાતેના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ર0 બેડના કોવિડ વોર્ડ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર માળિયા (મીં) ખાતે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂા. 38.50 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલ 250 એલપીએમ ક્ષમતા વાળા પીએસએ પ્લાન્ટ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર ટંકારા ખાતે તૈયાર થયેલ સંસદસભ્યની ગ્રાન્ટમાંથી 50 લાખના ખર્ચે બનાવેલ 250 એલપીએમ ક્ષમતા વાળા પીએસએ પ્લાન્ટ અને ટંકારા ખાતે રૂા.56.00 લાખના ખર્ચે નવનિર્મિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 50 બેડના કોવિડ વોર્ડનું લોકાર્પણ કરવામાં આવેલ હતું.