મોરબીમાં ગરીબ બાળકોને લક્ઝરિયસ કારમાં સફર કરાવી વેલેન્ટાઈન-ડે ની ઉજવણી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.15-02-2022

વેલેન્ટાઈન ડે એટલે કે પ્રેમનું પર્વ. પ્રેમના સંકુચિત અર્થને બદલે તેને વિશાળ અર્થમાં લઇ વેલેન્ટાઈન ડેને વાત્સલ્ય દિવસ તરીકે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે યંગ ઇન્ડિયા ગ્રુપે ગરીબ બાળકોને લક્ઝુરિયસ કારમાં કરાવી શહેરની રોમાંચક સફર કરાવી હતી. આમ તો પ્રેમને અભિવ્યક્ત કરવા વેસ્ટર્ન કલચરનો આ તહેવાર છે. પણ તેને ભારતીય સંસ્કૃતિ મુજબ ઉજવણી કરવા માટે મોરબીના જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વર્ષોથી વેલેન્ટાઈનથસ ડેને વાત્સલ્ય દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત ગ્રુપ દ્વારા ગરીબ બાળકોને વૈભવી કારમાં સફર કરાવવામાં આવે છે. જેથી, ગરીબ બાળકો જે કદાચ ક્યારેય વૈભવી કારમાં ફરવા ન જઈ શકવાના હોય તેને કારરાઈડનો મોકો મળે છે.મોરબીના જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ એ વાત્સલ્ય દિવસ નિમિત્તે જરૂરિયાતમંદ બાળકોને ખુશી આપવા માટે વૈભવી કારમાં શહેરની સફર કરાવવામાં આવી હતી.

જેમાં શનાળા રોડ પર આવેલા સ્કાય મોલ ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બી. એમ. સોલંકી, મોરબી ક્લોક એસોસીએશનના પ્રમુખ શશાંક દંગી, સીરામીક એસોસીએશનના પૂર્વ પ્રમુખ નિલેશ જેતપરિયા, પોલીપેક ઇન્ડસ્ટ્રીના જગદીશ પનારા, મોરબી નગરપાલિકા ચેરમેન કેતન વિલપરા, શિક્ષણ અગ્રણી દિનેશ વડસોલા, મનન બુદ્ધદેવ અને માર્ગ અને મકાન વિભાગ-મોરબીના હિતેશ આદ્રોજા સહિતનાઓ દ્વારા ફ્લેગ ઓફ કરી રાઈડ્સનો આરંભ કરવામાં આવ્યો હતો. આ સાથે કારના માલિકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ જોય રાઇડમાં બી. એમ. ડબલ્યુ., ઓ.ડી., મર્સીડીઝ જેવી લક્ઝુરિયસ કારમાં સરકરી શાળામાં અભ્યાસ કરતા કે પછાત વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારોના 130 જેટલા બાળકોને શનાળા રોડથી મુખ્ય બજાર થઇ સામા કાંઠે મયુર પુલ થઇ મહારાણા પ્રતાપ સર્કલ, નહેરુ ગેટ ચોક, ગેસ્ટ હાઉસ રોડ, ગાંધી ચોક, રવાપર રોડ, કેનાલ રોડથી પરત સ્કાય મોલ સુધીની સફર કરાવવામાં આવી હતી. આ દરમિયાન વ્હાઇટ-રેડ કલરના ફુગ્ગા સાથે રાઈડની મોજ માણી હતી.

ત્યારબાદ શહેરની મોમ્સ હોટલમાં ભુલકાઓને ભાવતા ભોજનિયાં કરાવવામાં આવતા બાળકોના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી હતી. આ વેળાએ યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટર દેવેન રબારીએ જણાવ્યું હતું કે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વેલેન્ટાઈન ડેની વાત્સલ્ય દિવસ તરીકે અનોખી ઉજવણી કરવાની પરંપરા છે.

ભારતીય સંસ્કૃતિ પ્રેમની સાથે સદભાવના અને સમન્વયની સંસ્કૃતિ છે. તો છેવટના લોકોને પણ પ્રેમ આપવા માટે આ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીના ઉદ્યોગપતિઓનો સહયોગ મળ્યો છે. તો બાળકોનું મોંઘીદાટ કારમાં બેસવાનું સપનું સાકાર થાય અને યુવાન બની મોંઘી કાર ખરીદવાનું સપનું સેવે તેવો રચનાત્મક અભિગમ રહેલો છે.

આમ, યંગ ઇન્ડિયા ગ્રુપ એ કોરોના કાળના બે વર્ષ બાદ સાત-આઠ વર્ષ જૂની પરંપરાને જાળવી રાખતા તથા આપવાના આનંદ સૂત્રને સાર્થક કરતા બાળકોને પ્રેમ અને આનંદ આપીને વેલેન્ટાઈનથસ ડેની વાત્સલ્ય દિવસ તરીકે ઉમંગભેર ઉજવણી કરી હતી.