મોરબીમાં વ્યાજંકવાદી બન્યા બેફામ, યુવાનને મારી નાખવાની ધમકી

દોઢ લાખનું 24 ટકા વ્યાજ વસુલતા હોવાની ફરિયાદ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.24-01-2022

મોરબી જિલ્લામાં વ્યાજખોરો માઝા મૂકી રહ્યા હોય તેવી અનેકાનેક ઘટનાઓ વચ્ચે હવે વ્યાજમાફિયાઓ દ્વારા ઉંચા વ્યાજે આપતા નાણાંનું માસિક નહીં પણ દસ દિવસે વ્યાજ વસૂલાતુ હોવાનું અને એ પણ 24 ટકા ચામડાતોડ દરે ! વ્યાજવસૂલી કરાઈ રહી છે આવા જ એક કિસ્સામાં લાડકવાયા પુત્રની કફની બીમારી માટે દોઢ લાખ વ્યાજે લેનાર લીલાપર ગામના યુવાનને વ્યાજમાફિયાએ મારી નાખવાની ધમકી આપતા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લીલાપર ગામે શક્તિમાતાજીના મંદિર પાસે રહેતા અને મજૂરીકામ કરતા બિપીનભાઈ મલાભાઈ રાઠોડ નામના યુવાનના સાડાત્રણ વર્ષના પુત્ર પ્રતીકને કફની બીમારી હોવાથી રાજકોટ દોશી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને આ સારવાર માટે નાણાંની જરૂૂર પડતા બિપીનભાઈએ તેમના કાકાજી સસરા જૈનીશભાઈની ઓળખાણથી મોરબીના રબારીવાસમાં રહેતા દેવાભાઇ દિલાભાઇ રબારી પાસેથી રૂપિયા 1 લાખ 24 ટકા વ્યાજે લીધા હતા જેનું દર દસ દિવસે રૂપિયા 8000 વ્યાજ ચુકવતા હતા.

ત્યાર બાદ પુત્રની બીમારીની સારવાર માટે વધુ નાણાંની જરૂર પડતા બિપીનભાઈએ ફરી રૂપિયા 50 હજાર દેવાભાઇ દિલભાઈ રબારી પાસેથી દર દસ દિવસે વ્યાજ આપવાની શરતે મેળવ્યા હતા અને આર્થિક

ભીંસમાં આવી જતા છેલ્લા છવીસ દિવસથી વ્યાજ ચૂકવી ન શકતા મોરબીના રબારીવાસમાં રહેતા વ્યાજખોર દેવાભાઇ દિલાભાઈ રબારીએ બિપીનભાઈને વ્યાજના રૂપિયા 1.80 લાખ આપી જજે નહિતર મારી નાખીશ તેવી ધમકી આપતા બિપીનભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

હાલમાં મોરબી તાલુકા પોલીસે બિપીનભાઈની ફરિયાદને આધારે મોરબીના રબારીવાસમાં રહેતા દેવાભાઇ દિલાભાઇ રબારી વિરુદ્ધ આઇપીસી કલમ તેમજ ગુજરાત નાણાં ધીરધાર નિયમો અંતર્ગત ગુન્હો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

ઝેરી દવા પી લેતા યુવાનનું મોત

મોરબી તાલુકાના સોખડા ગામના રહેવાસી યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા મોત થયું હતું બનાવને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ સોખડા ગામના રહેવાસી શૈલેશ ગોરધનભાઈ થરેશા (ઉ.વ.28) નામના કોળી યુવાન પોતાની વાડીએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા મોત થયું હતું બનાવને પગલે પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને બનાવની નોંધ કરીને યુવાને ક્યાં કારણોસર દવા પીધી તે દિશામાં વધુ તપાસ ચલાવી છે.