ફેબ્રુઆરીથી ફરી શાળાઓ ખોલો : શાળા સંચાલકો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.24-01-2022

જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં આગમચેતીના ભાગરુપે રાજય સરકારશ્રી દ્વારા શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ કરવામાં આવ્યું હતું. પરંતુ હાલમાં ત્રીજી લહેર અંતર્ગત પરિસ્થિતિ કાબુમાં છે, બીજી લહેર જેવો કોઇ અંધાધૂંધીનો માહોલ નથી, વર્તમાન જનજીવન રાબેતા મુજબ ચાલી રહ્યું છે, સૌથી વધારે કેઇસ જે રાજયમાં હતા તે મહારાષ્ટ્ર સરકાર પણ જાન્યુઆરી 24 થી શાળાઓ શરુ કરે છે, તો ગુજરાત જેવા રાજયમાં જયાં કોઇ ગંભીર પરિસ્થિતિ નથી ત્યાં શાળાઓ શરુ કરવી જોઇએ તેવું ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના સભ્યોનું માનવું છે. આ માટે મહામંડળ દ્વારા શિક્ષણ મંત્રીને પણ અપીલ કરવામાં આવનાર છે.

રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ શ્રી ડી. વી. મહેતાએ જણાવ્યું હતું કે રાજય સરકાર દ્વારા 15 થી 18 વર્ષના તરુણોને કોરોના વિરોધી રસી આપવાની કામગીરી ચાલી રહી છે. જેમા મોટાભાગની શાળાઓમાં પાત્રતા ધરાવતા છાત્રોનું 94% જેવું રસીકરણ થઈ ગયું છે. ત્યારે વિદ્યાર્થીઓ ઉપર ગંભીર ખતરો ટળ્યો છે. વિશ્વ બેંકના એકેડેમિક ડિરેક્ટરે પણ સૂચન કર્યું હતું કે શાળાઓ હવે ઑફલાઇન હોવી જોઈએ. લાંબા લોકડાઉન બાદ વિદ્યાર્થીઓનું પ્ર્ત્યક્ષ શિક્ષણ હજુ બે થી લઈને છ માસ પહેલા જ રાબેતા મુજબ શરુ થયું હતું, જેથી તેમની માનસિક, શારીરિક, મનોવૈજ્ઞાનિક, અને શૈક્ષણિક પરિસ્થિતિમાં ઘણો જ સુધારો જોવા મળી રહ્યો છે. ઓનલાઇન શિક્ષણ દરમિયાન બાળકોએ ઘણા પ્રકારની સમસ્યાઓ જેમ કે ગેમ્સ, સોશીયલ મિડિયા, મોબાઇલનું વળગણ થઈ જવું, ચિડિયા પણુ, એકલતા પણું જેવા મનોવૈજ્ઞાનિક ફેરફારો તેમનામાં આવ્યા હતા. તે તમામ બાબતોમાંથી બહાર આવી પ્રત્યક્ષ શિક્ષણ સાથે તેઓ મુખ્ય પ્રવાહમાં પાછા ફર્યા હતા, તે કોરોનાની ત્રીજી લહેરને લીધે બંધ થયેલ પ્રત્યક્ષ શિક્ષણથી ફરી પ્રભાવિત થઈ રહ્યા હોય તેવું

જણાય છે. વાલીઓ પણ તેમના બાળકો ફરી પ્રત્યક્ષ શિક્ષણમાં જોડાય તેવી માંગ કરી રહ્યા છે.

ગુજરાત શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભરતભાઇ ગાજીપરા આ બાબતે તેમનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે સૌથી વધારે કેઇસ જે રાજયમાં હતા તે મહારાષ્ટ્ર સરકાર પણ જાન્યુઆરી 24 થી શાળાઓ શરુ કરે છે, તો ગુજરાત જેવા રાજયમાં જયાં કોઇ ગંભીર પરિસ્થિતિ નથી ત્યાં શાળાઓ શરુ કરવી જોઇએ તેવું ગુજરાતના સૌ સ્વનિર્ભર શાળા સંચાલકોનું માનવું છે. આ અંગે અમે શિક્ષણ મંત્રીને પણ દરેક શાળાઓને કોવિડ ગાઇડ લાઇનની તમામ તકેદારી સાથે ફરી ધોરણ 1 થી 9 નું પ્રત્યક્ષ શિક્ષણ તા. 1 ફેબ્રુઆરીથી શરુ કરવાની મંજુરી આપે, તે માટે પત્ર દ્વારા અપીલ કરવામાં આવનાર છે.

ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળની કોર કમિટીના સભ્યોમાં મહામંડળના પ્રમુખ ભરતભાઈ ગાજીપરા, ઉપપ્રમુખ જતીનભાઈ ભરાડ, સવજીભાઇ પટેલ, એમ. પી. ચંદ્રન, ઉત્પલભાઇ શાહ, પ્રવકતા ડો. દિપકભાઇ રાજયગુરુ, અને સંયોજક મન્હરભાઇ રાઠોડ, રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી મહેતા, ઉપપ્રમુખ અવધેશભાઈ કાનગડ, ઉપપ્રમુખ ડો. ડી. કે. વડોદરિયા, મહામંત્રી પરિમલભાઈ પરડવા, મહામંત્રી પુષ્કરભાઈ રાવલ, સૌરાષ્ટ્ર ઝોન ક્ધવીનર જયદીપભાઇ જલુ અને મેહુલભાઈ પરડવા દ્વારા શિક્ષણ મંત્રીને પત્ર લખી આ બાબતે અપીલ કરવામાં આવશે તેવું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે.